પાટણ: પાટણ નવા ગંજ માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી વર્ષોથી મજૂરી કામ કરતી પછાત વર્ગની શ્રમજીવી મહિલાઓને ગંજ બજારમાં પ્રવેશ નહીં આપવાનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. આ મામલે માર્કેટયાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખે આ શ્રમજીવી મહિલાઓને આગામી દિવસોમાં પુનઃમજૂરી કામ આપવાની તૈયારી બતાવી છે.
પાટણ APMC માર્કેટમાં પછાત વર્ગની મહિલાઓને પુનઃ રોજગારી મળશે
પાટણ નવા ગંજ માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી વર્ષોથી મજૂરી કામ કરતી પછાત વર્ગની શ્રમજીવી મહિલાઓને ગંજ બજારમાં પ્રવેશ નહીં આપવાનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. આ મામલે માર્કેટયાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખે આ શ્રમજીવી મહિલાઓને આગામી દિવસોમાં પુનઃમજૂરી કામ આપવાની તૈયારી બતાવી આપી છે.
પાટણ નવા ગંજ બજારમાં આવેલી ખાનગી પેઢીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી પછાત વર્ગની શ્રમજીવી મહિલાઓ સાફ સફાઈની મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મજૂરી કામ કરતી આ મહિલાઓને ખાનગી પેઢીની આવકની બોરીના નંગ ઉપર પેઢીના માલિક દ્વારા મજૂરીના પૈસા ચૂકવવામાં આવે છે. લોકડાઉનના કારણે એપીએમસી માર્કેટ બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લા કેટલાક સમયથી એપીએમસી માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે. પણ મજૂરી કરતી મહિલાઓ પાસે પ્રવેશ પાસ ન હોવાને કારણે તેઓને માર્કેટમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જેથી આવી મંદીના માહોલમાં મજૂરી કરતી મહિલાઓની રોજગારી છીનવાઈ ગઈ છે. છેલ્લા દોઢ મહિનાથી તેઓ બેરોજગાર થઈને બેસી રહી છે. તેમની પાસે આવકના બીજા કોઈ સ્રોત ન હોવાથી તેઓની હાલત કફોડી બની છે.
પાટણ એપીએમસી માર્કેટમાં ઘણા વર્ષોથી કામ કરતી પછાત વર્ગની મહિલાઓને પ્રવેશ નહીં આપવા મામલે સરદાર ગંજ માર્કેટ યાર્ડના પ્રમુખ રસિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, પછાત વર્ગની શ્રમજીવી મહિલાઓની રોજગારી છીનવી લેવાનો અમારો કોઈ આશય નથી. પણ હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં માર્કેટયાર્ડમાં સંક્રમણ ન ફેલાય તે માટે નોંધાયેલા મજૂરોને જ પ્રવેશ આપવામાં આવે છે. આ મહિલાઓ વર્ષોથી માર્કેટયાર્ડમાં કામ કરે છે, પણ તેઓએ માર્કેટયાર્ડમાં નોંધણી કરાઈ નથી. આગામી એક-બે દિવસમાં તેઓને મજૂરી અર્થે ગંજ બજારમાં પ્રવેશ આપવામાં આવશે.