પાટણ: જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. છેલ્લા પાંચ દિવસથી વરસાદે વિરામ લીધો છે. તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ મામલે ઉદાસીનતા દાખવવામાં આવતી હોવાનો દાખલો રાધનપુર તાલુકાના અરજણસર ગામમાં જોવા મળ્યો છે.
પાટણ: રાધનપુરના અરજણસર ગામના વેરાઈવાસમાં 20 દિવસથી ભરાયેલા પાણીનો નિકાલ ક્યારે? - There is no disposal of water in Arjansar village for 20 days
પાટણના રાધનપુર તાલુકાના અરજણસર ગામના વેરાઈવાસમાં વરસાદમાં છેલ્લા 20 દિવસથી પાંચ ફૂટ પાણી ભરાયા છે તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. જેના કારણે ગામના લોકોને પાણીમાંથી અવરજવર કરવું પડી રહ્યું છે. સાથે જ મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે.
![પાટણ: રાધનપુરના અરજણસર ગામના વેરાઈવાસમાં 20 દિવસથી ભરાયેલા પાણીનો નિકાલ ક્યારે? etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8662195-thumbnail-3x2-pp.jpg)
ગામમાં આવેલો વેરાઈવાસ ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાયો છે. ગામમાં ચારે બાજુ પાંચ ફૂટથી વધુ પાણી ભરાયું છે. જેનો નિકાલ કરવા માટે વિસ્તારના રહિશોએ ગામનાં સરપંચ અને વહીવટી તંત્રને રજૂઆત કરી હોવા છતાં હજી સુધી પાણીનો નિકાલ કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 દિવસથી 40 જેટલા પરિવારો પાણી વચ્ચે ફસાયા છે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા જવા માટે પાણીમાંથી અવરજવર કરવી પડે છે. પાણીમાં જેમાં ઝેરી જીવજંતુઓ પણ છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા આવ્યા નથી. મચ્છરોનો ઉપદ્રવ પણ અસહ્ય બન્યો છે જેને લઇને રોગચાળો ફાટી શકે છે.