પાટણઃ જિલ્લાની મુલાકાતે આવેલા પાણી પુરવઠા પ્રધાનને રાધનપુર શહેરમાં ત્રણ ત્રણ દિવસે પાણી આવતું હોવાની રજૂઆત સ્થાનિકોએ કરી હતી. આ ઉપરાંત ચોરાડ પંથકના 24 ગામોમાં ઉનાળાની શુરૂઆતથીજ પાણીની સમસ્યા સર્જાઈ છે અને 9 ગામોમાં ટેન્કર વડે અનિયમિત પાણી આપવામાં આવતું હોવાની લોકોએ રજૂઆત કરી હતી.
પાણી પુરવઠા પ્રધાને પાટણ જિલ્લાની લીધી મુલાકાત
ઉનાળાની ઋતુમાં લોકોને પીવાના પાણીની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન અનુભવાય તે માટે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ પાટણ જિલ્લાની મુલાકાત લીધી હતી. સમી ખાતે આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટના નિરીક્ષણ સમયે છેવાડાના તાલુકાઓમાં પણ સમયસર અને શુદ્ધ પાણી મળી રહેશે તેવી નેમ વ્યક્ત કરી હતી.
પાણી પુરવઠા અને પશુપાલન પ્રધાન કુંવરજી બાવળીયાએ સમી ખાતે આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લઈ પાણીના શુદ્ધિકરણ અને ક્લોરીનેશન સહિતની વિગતો મેળવી હતી. ત્યારબાદ હારીજ તાલુકાના બોરતવાડામાં આવેલા હેડ વર્ક્સ અને કુરેજા ખાતેના પંપીંગ સ્ટેશનનું જાતે નિરીક્ષણ કરી આગેવાનો અને સંલગ્ન વિભાગના અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી.
કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, ઉનાળાની ઋતુ ચાલી રહી છે. પીવાના પાણીને અગ્રતા આપીને કોરોના મહામારી અને લોકડાઉનમાં પણ જિલ્લાના છેવાડાના ગામોમાં વસતા લોકોને પણ સમયસર અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. જેના ભાગરૂપે બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાની મુલાકાત લઈ મેં રૂબરૂ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે.