- વરસાદને લઇ રેલવેના બંને નાળામાં ભરાયા પાણી
- રેલ્વે નાળામાં પાણી ભરાતા હાર્દ સમાન પ્રવેશ દ્વાર થયો બંધ
- પાણીને લઇને વાહન વ્યવહાર ખોરવાયો
- યુનિવર્સિટી રોડ પર બંને સાઇડ સર્જાઈ કતારો
- ટ્રાફિકને કારણે વાહનચાલકો અને રાહદારીઓ કલાકો સુધી અટવાયા
પાટણ: શહેરમાં રવિવારે મોડી પડેલા વરસાદને કારણે રેલવે ગરનાળામા તેમજ કોલેજ કેમ્પસના અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર અટકી ગયો હતો. આ બન્ને માર્ગો બંધ થતાં વાહન વ્યવહાર યુનિવર્સિટી રોડ પર કાર્યરત થતાં ટ્રાફિકજામ સાથે અંધાધૂંધી ફેલાઈ હતી અને બંને બાજુ વાહનોની લાંબી લાંબી લાઈનો લાગતા વાહનચાલકો અને રાહદારીઓ કલાકો સુધી અટવાયા હતા. આ મામલે પાટણના ધારાસભ્ય કીરીટ પટેલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી રેલવે અંડરબ્રીજમાં ભરાઈ રહેતા વરસાદી પાણીની સમસ્યા ઉકેલવા રજૂઆત કરી હતી.
ટ્રાફિક જામના વરવા દ્રશ્યો સર્જાયા
પાટણ નગરપાલિકાના ખાડે ગયેલા અને દિશા વિહીન વહીવટનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. વરસાદને કારણે શહેરના પ્રવેશદ્વાર સમાન રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઇ જતા નવજીવન 4 રસ્તાથી શહેરમાં પ્રવેશવાનો આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયો હતો. તો બીજી તરફ હજારો વિદ્યાર્થીઓની અવર-જવરથી ધમધમતા કોલેજ કેમ્પસ પાસેના અન્ડરબ્રિજમાં પણ પાણી ભરાઇ જતાં તે પણ બંધ થયો હતો જેના કારણે આ બંને બાજુના વાહન વ્યવહારનો ઘસારો યુનિવર્સિટી રોડ પર થતાં ટ્રાફિક જામના વરવા દ્રશ્યો સર્જાયા હતા.