પાટણ : પાટણ શહેરના વોર્ડ નંબર 5 અને 11 માં આવેલી પાંચ જેટલી સોસાયટીઓમાં પૂરતા પ્રમાણમાં પાણી આવતું ન હોવાને કારણે આજે મહિલાઓ માટલાઓ લઈને નગરપાલિકા ખાતે રજૂઆત માટે દોડી આવી હતી. પરંતુ પાટણ નગરપાલિકામાં એક પણ સત્તાધીશો હાજર ન હોવાને કારણે મહિલાઓએ રોષે ભરાઈ પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બર આગળ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો.
ભરઉનાળે પાણીનો કકળાટ :પાટણ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તા અને પીવાના પાણીની અનેક સમસ્યાઓ છાશવારે જોવા મળે છે. તેમ છતાં નગરોળ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરીજનોની સુખાકારી માટે એક પણ સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી. પાટણ શહેરમાં ઉનાળાની શરૂઆત થતા જ પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ છે. જે ઉનાળામાં વધુ વિકટ બની છે. નગરપાલિકાની ગત બજેટની સામાન્ય સભામાં પાણી મુદ્દે મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરી સભાગૃહમાં ઘૂસી જઈ સામાન્ય સભા ખોરવી હતી.
આ પણ વાંચો
છ મહિનાથી નથી મળતું પૂરતું પાણી : જેના ઉપરથી શાસકોએ હજુ કોઈ બોધપાઠ ન લીધો હોય તેમ આજે ફરી વોર્ડ નંબર 5 અને 11 ની રાજકમલ સોસાયટી ,રાધેશ્યામ સોસાયટી, કે શ્યામ સોસાયટી, ન્યુ રાધે બંગ્લોઝ અને પાર્થ બંગલોઝની પાણીની સમસ્યાથી પીડિત સોસાયટીઓની મહિલાઓ નગરપાલિકામાં પૂરતા પ્રમાણમાં આ વિસ્તારની સોસાયટીઓમાં પાણી પહોંચાડવામાં આવે તેવી રજૂઆત માટે ધસી આવી હતી. મહિલાઓએ માટલા ફોડ્યાં હતાં પરંતુ નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર કોઈ હાજર ન હોવાને કારણે રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા કેમ્પસમાં માટલા ફોડી પ્રમુખની ચેમ્બરમાં રામધૂન બોલાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
રોડનું કામ મંથરગતિએ : આ વિસ્તારના સ્થાનિક રહીશ દીપક પટેલે જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી અંબાજી નેળિયામાં રોડનું કામ ચાલી રહ્યું છે. જે કામને કારણે વારંવાર પાણીની પાઇપલાઇનનો તૂટે છે છતાં તેનું રીપેરીંગ કામ પણ ઝડપથી થતું નથી. નગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં 10ની લાઈન નાખવામાં આવી છે. પરંતુ આ વિસ્તારમાં વધુ સોસાયટીઓ આવેલી હોય પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું નથી. માટે નગરપાલિકા દ્વારા મોટી લાઈન નાખવામાં આવે તો આ વિસ્તારની તમામ સોસાયટીઓમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી શકે તેમ છે. નગરપાલિકામાં જ્યારે પણ રજૂઆત માટે આવીએ છીએ ત્યારે પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર હોતા નથી તો રજૂઆત કોને કરવી.
એક પણ અધિકારી પદાધિકારી હાજર ન મળ્યા : પાટણ નગરપાલિકા ન ધણિયાતી બની હોય તેમ જ્યારે કોઈ શહેરીજનો સમસ્યાઓ લઈને નગરપાલિકા કચેરીમાં આવે છે ત્યારે જવાબદાર સત્તાધીશો કે અદાધિકારીઓ હાજર મળતા નથી શહેરીજનોને સુખાકારી અને સુવિધા પૂરી પાડવાની જેની જવાબદારી છે તેવા શાસકોની ગેરહાજરીને લઈ શહેરમાં દિવસે દિવસે સમસ્યાઓના પ્રશ્નો વધતા જાય છે તો બીજી તરફ રજૂઆત માટે આવેલા શહેરીજનો રોષ પૂર્વક માટલા ફોડીને કે અલ્લાબોલ કરી ને દેખાવો કરવા મજબૂર બને છે.