- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં લેવાશે ઓફલાઈન પરિક્ષા
- UG સેમ 1 અને 3ની પરિક્ષા જ ઓનલાઈન લેવાશે
- UG સેમ 5, PG સેમ 1 અને 3 ની પરીક્ષા ઓફલાઇન લેવાશે
- 24 ડિસેમ્બરે યુનિવર્સિટીએ જાહેર કરેલો વિવાદાસ્પદ પરિપત્ર રદ
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 28મી ડિસેમ્બરના રોજ યોજાનારી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ ઓનલાઇન અને ઓફલાઇન પદ્ધતિથી લેવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. તે બાબતે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ઓનલાઇન પરીક્ષાના પરિણામ ભવિષ્યમાં માન્ય ન રહે તો યુનિવર્સિટી જવાબદાર રહેશે નહીં તેવો કુલપતિ દ્વારા મત જાહેર કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. શિક્ષણના ઇતિહાસમાં કુલપતિના નિર્ણયથી પ્રથમવાર ઈસી સભ્યો પણ વિમાસણમાં મુકાયા હતા.
યુનિવર્સિટીમાં પરીક્ષા મામલે EC સાથે VCની મળી હતી બેઠકઃ બેઠકમાં ઓફલાઈન પરિક્ષા લેવાનો કરાયો નિર્ણય
વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને કુલપતિના નિર્ણય મામલે ચર્ચા કરી કાયદાના અભ્યાસ સાથે નિર્ણય માન્ય રાખો કે નહીં તે માટે શનિવારે ઈસીની ખાસ બેઠક મળી હતી. આ બેઠકમાંં અધ્યાપકો, પ્રિન્સિપાલ અને કારોબારી સભ્યોએ પરીક્ષાના સંદર્ભે ચર્ચા વિચારણાઓ કરી હતી. જેમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું કે, UG સેમેસ્ટર-1 અને 3ની પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવશે. જ્યારે UG સેમેસ્ટર 5 અને PG સેમેસ્ટર 1 અને 3ની પરીક્ષા ઓફલાઈન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પરીક્ષા મામાલે EC સાથે VCની મળી હતી બેઠકઃ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓની સલામતીની તકેદારી રખાશે
યુનિવર્સિટી દ્વારા નિયત કરેલી તારીખ પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે તો બીજી તરફ યુનિવર્સિટી દ્વારા 24 ડીસેમ્બરના રોજ જે વિવાદાસ્પદ પરિપત્ર જાહેર કર્યો હતો તે પરિપત્રને સર્વાનુમતે રદ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સલામતીને લઈને પરીક્ષા કેન્દ્રોની ઓચિંતી મુલાકાત લેવામાં આવશે અને સલામતીની વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવામાં આવશે.