પાટણઃ જિલ્લામાં COVID-19ના 14 પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તાલુકાની બોર્ડર સીલ કરવાથી લઈ સેનેટાઈઝિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં નવો એક પણ COVID-19 પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા સિદ્ધપુર તાલુકામાં હેલ્થ સર્વેલન્સને વધુ સઘન બનાવવામાં આવ્યું છે.
સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામે જિલ્લાનો પ્રથમ કોવિડ-19 પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા 49 વ્યક્તિઓ પૈકી 13 કેસ પોઝિટિવ આવ્યા બાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોનાવાઈરસનું સંક્રમણ અટકાવવા કન્ટેઈનમેન્ટ પ્લાન અમલમાં મુકી ગામની સરહદો સીલ કરવા સાથે જાહેર સ્થળોનું સેનેટાઈઝેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની 70 ટીમ દ્વારા સિદ્ધપુર તાલુકાના 20 ગામોમાં તથા અન્ય 21 ટીમ દ્વારા સિદ્ધપુરના શહેરી વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીને વધુ સઘન બનાવવામાં આવી છે.