● ભરતસિંહ સોલંકીએ ભાજપ અને આરએસએસ ઉપર કર્યા આકરા પ્રહારો
● ભરતસિંહ સોલંકીએ આરએસએસને અંગ્રેજોના દલાલ ગણાવ્યા
● ભાજપ સરકારના શાસનમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થઈ રહ્યું છે: અમિત ચાવડા
પાટણઃ દશેરાના પાવન દિવસે પાટણ(Patan) શહેર સહિત જીલ્લામાં વિવિધ સ્થળો પર શસ્ત્ર પૂજન સાથે શક્તિ પ્રદર્શનો થયા હતા. પાટણના વડુ ગામે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા શસ્ત્ર પૂજન સાથે આગામી વિધાનસભા 2022ની ચૂંટણીઓમાં ગુજરાતના મુખ્યપ્રધાન ક્ષત્રિય ઠાકોર સમાજનો જોઈએ તે માટે લોક જુવાળ સાથે શક્તિપ્રદર્શનના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકી(Bharatsinh Solanki)ના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં શસ્ત્રોની સાથે શાસ્ત્ર અને કોમ્પ્યુટરનું પણ વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું હતું.
ભરતસિંહ સોલંકી 2022ની ચૂંટણીને લઈને તનતોડ તસ્દી
કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા(Senior Congress leader) ભરતસિંહ સોલંકીએ પોતાની તેજાબી ભાષામાં ભાજપ અને આરએસએસ(Rashtriya Swayamsevak Sangh)ને આડે હાથ લઈ જણાવ્યું હતું કે, ખાખી ચડ્ડીવાળાઓ પાસે સંગઠન શક્તિ છે પણ તેઓ તેનો સદુપયોગ કરવાને બદલે ગણપતિને દૂધ પીવડાવવા, ખોટી અફવાઓ ફેલાવવા અને કોમ કોમને લડાવવામાં કરે છે. દેશ જ્યારે અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે દેશને આઝાદ કરાવવા રાષ્ટ્રપ્રેમી નેતાઓ, લોકો તન-મન-ધનથી બલિદાન આપતા હતા તેવા સમયે આ ખાખી ચડ્ડી ધારીઓ અંગ્રેજોની દલાલી કરતા હતા અને સ્વાતંત્ર્ય સેનાનીઓને જેલમાં મોકલવાનું પાપ કરતા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અંગ્રેજોની દલાલી થકી એ જમાનામાં પેટ્રોલ પંપો, સરકારની વિવિધ એજન્સીઓમાં સૌથી વધુ સંખ્યા આરએસએસ વાળાઓની હતી. દેશમાં રામરાજ્ય લાવવાની વાતો કરવામાં આવે છે. પરંતુ તેના નક્કર આયોજનો માટે સંગઠન શક્તિ જરૂરી છે. જે આપણામાં હશે તો ચોક્કસ રામરાજ્ય લાવી શકાશે. હાલમાં ભાજપ અને આરએસએસ(RSS) વાળાઓએ સત્તા રૂપી સીતાનું હરણ કર્યું છે જે સત્તા પાછી લાવવા અને દેશમાં સાચા અર્થમાં રામ રાજય લાવવા સંગઠીત બની એક થઈશું તો સત્તારૂપી સીતામાતાને ફરી આપણી પાસે લાવી શકીશું અને ગાંધીનગરમાં આપણું રાજ આવશે.
આ પણ વાંચોઃરાજકોટમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાવણનું દહન, પોલીસે કોંગી કાર્યકરોની કરી અટકાયત