- પાટણમાં મહાશિવરાત્રીએ શ્રદ્ધાળુઓ શિવમય બન્યા
- ગજરાજ પર શિવજીની નગર પરિક્રમાએ અનેરું આકર્ષણ જમાવ્યું
- શિવજીની પરંપરાગત પાલખીયાત્રાઓ નીકળી
પાટણ: જિલ્લામાં મહાશિવરાત્રીએ શ્રદ્ધાળુઓ શિવમય બન્યા હતા. દેવોનામોસાળ સિદ્ધપુરમાં મહાશિવરાત્રી નિમિત્તે તમામ શિવાલયોમાં ભક્તો દર્શનાર્થે ઊમટ્યાં હતા. જ્યારે શહેરના વિવિધ શિવાલયોમાંથી શિવજીની પરંપરાગત પાલખીયાત્રાઓ નીકળી હતી. જેમાં ગજરાજ પર શિવજીની નગર પરિક્રમાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. જોકે આ વખતે કોરોના સંક્રમણને ધ્યાને રાખી સરકારની ગાઈડલાઈન મુજબ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાઆરતી સાથે શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો
પાટણ જિલ્લામાં વિવિધ શિવાલયોમાં શિવજીની પૂજા શ્રધ્ધાભેર કરાઇ હતી, ત્યારે મહાશિવરાત્રી નિમિત્તે સિદ્ધપુર શહેરમાં શિવજીની શાહી સવારીમાં સ્વયંભૂ બ્રહ્માંડેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, નિલકંઠેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવથી પિતાંબરધારી ભૂદેવોએ પાલખીમાં શિવજીને બેસાડી રાજમાર્ગો પર ભ્રમણ કર્યુ હતું. જેમાં સંતો, મહંતો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બપોરે 2 કલાકે બિંદુ સરોવર ખાતે તમામ પાલખીઓ આવી પહોચતાં શિવજીનું હરિહર મિલન થતાં પૂજાપાઠ અને મહાઆરતી સાથે શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ શોભાયાત્રામાં ગજરાજ ઉપર ભગવાન શિવજીને બિરાજમાન કરાયા હતા.