ભારત દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીના નામ સાથે જોડાયેલા કોઈ પણ સ્મારક દીપી ઉઠે છે. જ્યારે સિક્કાની બીજી બાજુ જોઈએ તો પાટણના બગવાડા દરવાજાથી રેલવે નાળા રોડ પર આવેલા ગાંધી બાગને ગુજરાતના તત્કાલિન મહિલા મુખ્યપ્રધાન અને પાટણના તે સમયના ધારાસભ્ય આનંદીબેન પટેલે સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ પાટણ નગરપાલિકાને ફાળવવામાં આવી હતી. આ બાગનું રીનોવેશન કરીને સહેલાણીઓ માટે ખુલ્લો મુક્યો હતો. પરંતુ આજે આ બાગ વેરાન બની ગયો છે. બાગમાં સફાઈ તેમજ જાળવણીના અભાવે જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યાં છે.
પાટણમાં નગરપાલિકાની બેદરકારીને કારણે ગાંધી બાગ બન્યો વેરાન
પાટણ: જિલ્લામાં આવેલા ગાંધી બાગ હાલ ઉજ્જડ અને વેરાન બની ગયો છે. જેમાં શહેર નગર પાલિકાની કાળજીના અભાવે લાખો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવેલા બાગની હાલત વેરાન બની છે. સાથે જ આ ગાંધી બાગમાં ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યાં છે. બાગમાં સહેલાણીઓ માટે કોઈ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી. જેન લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ બાગમાં સહેલાણીઓ માટે કોઈ પ્રકારની સુવિધા પાલિકા દ્વારા ઉભી કરવામાં આવી નથી. સાથે જ પાણીની ઓવર હેડ ટાંકી પણ આવેલી છે, જેની પાઇપલાઈનમાંથી પાણીનો વેડફાડ થઈ રહ્યો છે. જેને કારણે બાગમાં કાદવ કીચડ પણ જોવા મળી રહ્યો છે.
પાટણ નગર પાલિકા હસ્તકના તમામ બાગની જાળવણી માટે 20 જેટલા માળી આઉટસોસિંગથી રાખવામાં આવ્યા છે પણ શહેરના એક પણ બાગમાં કોઈ માળી હાજર રહેતા નથી તેમજ ચોકીયાત પણ ન હોવાથી બાગ અસામાજિક તત્વોનો અડો બની ગયો છે. આવા તત્વો બાગમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે. જેને કારણે બાગમાં કોઈ સહેલાણીઓ આવતા નથી. પાટણ નગર પાલિકાની આવી નિષ્કાળજીને કારણે ગાંધી બાગ વેરાન બન્યો છે.