પાટણઃ પાટણ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના વાઇરસનો એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. ત્યારે અગાઉ 17 એપ્રિલના રોજ કોરોનાની સારવાર બાદ ધારપુર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા સાત દર્દીઓ પૈકી નેદરા ગામના બે દર્દીઓના ફોલોઅપ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ બંને દર્દીઓને કોરોના વાઈરસ ફરી ઝપેટમાં લીધાનો સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ બનાવ બનતા આરોગ્ય તંત્રમાં ભારે હડકંપ સાથે જિલ્લામાં ખળભળાટ મચ્યો છે.
ધારપુર હોસ્પિટલ ખાતેથી અગાઉ 17 એપ્રિલના રોજ કોરોના વાઈરસની સારવાર લીધા બાદ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અને તેઓને દેથળી ખાતે સ્ટેટ ઇન્સ્ટિટયુટ ઓફ હોટલ મેનેજમેન્ટમાં કવોરોન્ટાન ફેસીલીટીમાં રાખવામાં આવ્યા હતા. જે પૈકી સિધ્ધપુર તાલુકાના નેદ્રા ગામના 55 વર્ષીય મહિલા અને 60 વર્ષીય પુરુષ મળી બંને દર્દીઓના ફોલોઅપ ટેસ્ટ પોઝિટિવ આવતા ફરી વધુ સારવાર માટે આ બંને કોરોના પોઝેટીવ દર્દીઓને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.