- પાટણમાં મ્યુકોરમાઇક્રોસીસનો પ્રથમ કેસ નોંધાયો
- 60 વર્ષના વૃદ્ધને મ્યુકોરમાઇક્રોસીસ થયો
- ધારપુર હોસ્પિટલમાં 6 બેડ તૈયાર કરાયા
પાટણ: સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઈ છે અને રોજે રોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે, તો બીજી તરફ મ્યુકોરમાઇક્રોસીસ રોગે પણ રાજ્યમાં દેખા દીધી છે. જેને લઇ વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. પાટણ જિલ્લાને પણ કોરોનાએ અજગરી ભરડામાં લીધો છે. જેને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ખૂટી ગયા છે. ધારપુર હોસ્પિટલમાં કોરોનાના અન્ય દર્દીઓ સારવાર માટે લાઈનમાં છે. મ્યુકોરમાઇક્રોસીસને ધ્યાનમાં રાખીને ધારપુર હોસ્પિટલમાં છ બેડનો એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વડોદરામાં મ્યુકોર માઇકોસીસના દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં
હોસ્પિટલમાં આ રોગની દવાઓ ઇન્જેક્શનો ઉપલબ્ધ નથી
પાટણ જિલ્લામાં પણ મ્યુકોરમાઇક્રોસીસ રોગે દેખા દીધી છે. જેને લઇ લોકોમાં ફફડાટ ફેલાયો છે. ધારપુર હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફના એક કર્મચારીના 60 વર્ષીય વૃદ્ધ પિતાને મ્યુકોરમાઇક્રોસીસ થતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ધારપુર હોસ્પિટલમાં આ રોગની સારવાર માટેની દવાઓ કે ઇન્જેક્શનો ન હોવાથી દર્દીના પરિવાર દ્વારા જ દવાઓ અને ઈન્જેકશનનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ હોસ્પિટલના તબીબો દ્વારા દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ રોગની સારવાર માટે જરૂરી દવાઓ અને ઈન્જેકશનો હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. તેમજ નિષ્ણાંત તબીબો પણ ન હોવાનું હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ મનીષ રામાવતે જણાવ્યું છે.