- પત્ની દોઢ વર્ષથી ઘરકંકાસથી માતા-પિતા સાથે પિયરમાં રહેતી હતી
- પાટણમાં પત્નીની હત્યા કરી મૃતદેહ પાસે જ પતિએ વિષપાન કરી આત્મહત્યા કરી
- માતા-પિતાના મોતથી ત્રણ બાળકો નોંધારા બન્યા
પાટણ- સિદ્ધપુર તાલુકાના લવરા ગામે રહેતા ઠાકોર કનુજી રમુજીના લગ્ન પાટણના જ્યોત્સનાબેન ઠાકોર સાથે થયા હતા. 20 વર્ષના લગ્નગાળા દરમિયાન ત્રણ બાળકોના માતા-પિતા બનેલા આ બન્ને વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી આર્થિક સંકળામણને લઈ ઘર કંકાસ શરૂ થયો હતો. જેથી પતિના ત્રાસથી કંટાળી પત્ની જ્યોત્સનાબેન બાળકો સાથે પાટણ માતા-પિતાના ઘરે રહેવા આવી ગયા હતા.
માતા-પિતા લોકાચારની ક્રિયા માટે બહારગામ ગયા હતા
આ દરમિયાન પાટણ સિધદ્ધપુર હાઈવે રોડ પર આવેલી સુરમ્ય રેસીડેન્સીમાં રહેતા જ્યોત્સનાબેન ગુરુવારે ઘરે એકલા હતા અને માતા-પિતા લોકાચારની ક્રિયા માટે બહારગામ ગયા હતા તે તકનો લાભ લઇ પતિ કનુજી ઠાકોર ઘરે આવ્યો હતો અને પત્નીને ત્રિશુલ જેવા આકારની છરી વડે ગળાના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહ પાસે જ પોતે ઝેરી દવા ગટગટાવી લઈ આત્મહત્યા કરી હતી.