પાટણઃ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તાજેતરમાં બે દિવસ પાટણની મુલાકાતે આવ્યાં હતાં. પ્રથમ દિવસે તેઓએ સંગઠનના હોદ્દેદારો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે બેઠકો કરી હતી, ત્યારબાદ પ્રવાસના બીજા દિવસે તેઓ પાટણની ઐતિહાસિક રાણકી વાવ નિહાળવા ગયા હતા. જ્યાં તેમની સાથે 70થી વધુ આગેવાનો કાર્યકરોએ સરકારની કોવિડ-19ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી વગર ટિકિટે આ ઐતિહાસિક રાણકી વાવ નિહાળી હતી.
ભાજપના નેતાઓના રાણકી વાવના ટિકિટના પૈસા ભરપાઈ કરવા કોંગ્રેસે ભીખ માગી કર્યો વિરોધ
પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવને ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત 70 કાર્યકરોએ વગર ટિકિટે નિહાળતા આ મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે બુધવારે શહેરની બજારોમાં ભિક્ષાવૃત્તિ કરી દુકાને-દુકાને ફરી નાણાં એકત્ર કર્યા હતા. કોંગ્રેસના આ અનોખા વિરોધથી શહેરીજનોમાં રમૂજ પણ ફેલાયો હતો.
જે મામલે પાટણ નગરપાલિકા વિપક્ષના નેતા ભરત ભાટિયાએ મુખ્યપ્રધાન અને પુરાતત્વ વિભાગને ઈમેલ દ્વારા પત્ર પાઠવી ટિકિટના નાણાં ભરપાઇ કરવા રજૂઆત કરી હતી અને જો સમયસર ટિકિટના નાણાં ભરપાઇ નહીં કરવામાં આવે તો શહેરમાંથી ભિક્ષાવૃતિ કરી નાણાં એકત્ર કરી પીએમ ફંડમાં જમા કરાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. પરંતુ તેમ છતાં ભાજપ દ્વારા રાણકી વાવના ટિકિટના પૈસા ભરપાઈ ન કરાતા બુધવારે કોંગ્રેસ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર દુકાનદારો લારી ગલ્લા ધારકો, વાહનચાલકો અને રાહદારીઓ પાસેથી એક રૂપિયાની ભિક્ષાવૃત્તિ કરી ભાજપના આગેવાનો કાર્યકરોનો અનોખો વિરોધ કર્યો હતો.
કોંગ્રેસ દ્વારા પાટણની જનતા પાસેથી રાણકી વાવના ટિકિટ મુદ્દે ઉઘરાવેલા પૈસા પીએમ ફંડમાં જમા કરાવવામાં આવશે, તેમ નગર પાલિકાના વિપક્ષ નેતા ભરત ભાટિયાએ જણાવ્યું હતું.