પાટણ: જિલ્લામાં ચાલુ વર્ષે મેઘ તાંડવ જોવા મળ્યું હતું. જેના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. પેટે પાટા બાંધીને મોંઘાદાટ બિયારણ વાવી ખેડૂત કાગડોળે મેઘરાજાની મીટ માંડીને બેઠો હતો, પરંતુ મેઘ મહેરને બદલે મેઘ કહેર વર્તાયો છે. વરસાદે હાલ વિરામ લીધો છે, પરંતુ ખેતરોમાં હજૂ પાણી ઓસર્યા નથી. જેથી આ વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.
વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા પાટણના ખેડૂતોની હાલત કફોડી બની - ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી
પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં પડેલા વરસાદના તાકણે ઠેરઠેર પાણી ભરાયાં છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરોમાં ભરાયેલા પાણી નહીં ઓસરવાથી ખેડૂતોને અતિવૃષ્ટિનો ભય સતાવી રહ્યો છે.
ચોમાસાને લઈને ખેડૂતોએ પાટણ જિલ્લામાં 2,79,661 હેક્ટર જમીનમાં વિવિધ પાકનું વાવેતર કર્યું હતું. પાટણ જિલ્લામાં સરેરાશ 591 મિ.મી વરસાદની જરૂરિયાત હોય છે, પરંતુ ચાલુ વર્ષે 744 મિ.મી વરસાદ નોંધાયો છે. એટલે કે, જિલ્લામાં 122 ટકા વરસાદ થયો છે. હાલમાં નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાયા છે. જેનાથી કેટલાક ખેડૂતોને નુકસાન થયું છે.
પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે ખેતરો જળ તરબોળ બન્યા છે. જેને લઇને ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે અને અતિવૃષ્ટિનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.