- પાટણ વોર્ડ નંબર 1માં ભાજપે બાઈક રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યુ
- નગરદેવી કાલિકા માતા મંદિર ખાતેથી રેલી પ્રસ્થાન પામી
- વોર્ડના વિવિધ વિસ્તારોમાં રેલીએ કર્યું પરિભ્રમણ
- ભાજપના ઉમેદવારોનું મતદારોએ ઠેરઠેર સ્વાગત કર્યું
પાટણમાં વોર્ડ નંબર 1ના ભાજપના રોડ શોને પ્રચંડ સમર્થન મળ્યુ
પાટણ: નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને હવે ગણતરીના બે દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઠેરઠેર સભાઓ અને રેલીઓ યોજીને મતદારો પાસે પહોંચી રહ્યાં છે. શહેરના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં કોંગ્રેસને ટક્કર આપવા માટે ભાજપના ઉમેદવારોએ પણ કમર કસી લીધી છે. ડોર ટુ ડોર, લોકસંપર્ક અને રાત્રી સભાઓનું આયોજન થઈ રહ્યું છે.
પાટણમાં વોર્ડ નંબર 1ના ભાજપના રોડ શોને પ્રચંડ સમર્થન મળ્યુ રેલીને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલે કરાવી હતી પ્રસ્થાન
આજે ચૂંટણી પ્રચાર પ્રસારના અંતિમ દિવસે શુક્રવારે રાણકી વાવ રોડ પર આવેલા નગરદેવી કાલિકા માતા મંદિર ખાતેથી વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવી હતી. આ રેલી વોર્ડ નંબર 1ના વિવિધ વિસ્તારોમાં ફરી પ્રચાર કર્યો હતો અને લોકોનું સમર્થન મેળવ્યું હતું.
ડીજેના તાલે મોટી સંખ્યામાં બાઈક સવારો રેલીમાં જોડાયા
વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો મનોજ. કે. પટેલ, ચંદ્રિકા રાવળ, મંજુલા ઠાકોર, મનોજ એન. પટેલ તેમના સમર્થકો સાથે બાઈક રેલીમાં જોડાયા હતા. ભાજપની આ બાઈક રેલી વોર્ડના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જ્યાં ઠેરઠેર ભાજપના ચારેય ઉમેદવારોનું મતદારો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે ઉમેદવારોએ પણ વોર્ડ નંબર 1ના વિકાસને વધુ આગળ વધારવા ભાજપની પેનલને મત આપવા અપીલ કરી હતી.