- પાટણ નાગરિક બેંકની ચૂંટણી સ્થગિત કરવા કલેકટરને રજૂઆત
- કોરોના મહામારીને લઈ બેંકના સભાસદે ચૂંટણી સ્થગિત કરવા કરી માંગ
- આગામી 11 જુલાઈએ યોજાવા જઈ રહી છે 15 ડિરેક્ટરોની ચૂંટણી
પાટણ: 11મી જુલાઈના રોજ યોજાનારી પાટણ નાગરિક સહકારી બેંકની 15 સભ્યો માટેની ચૂંટણી ચિત્ર 2 જુલાઈ શુક્રવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સ્પષ્ટ બન્યું છે. ત્યારે કુલ 48 ફોર્મ વિતરણ થયાં હતાં. જેમાં શુક્રવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 8 ઉમેદવારોએ પોતાનાં ફોર્મ પરત ખેંચ્યા હતા. તો બે ફોર્મ રદ થયાં થયા હતા જ્યારે SC, STની એક બેઠક બિનહરીફ જાહેર થતાં હવે 14 સભ્યો માટે યોજાનારી ચૂંટણી માટે કુલ 21 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતાર્યા છે. ત્યારે કોરોના મહામારીને ધ્યાને રાખી બેંકના સભાસદ જયેશ પટેલે પાટણ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત દ્વારા નાગરિક સહકારી બેંકની ચૂંટણી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે તેવી માંગ કરી છે.
ચૂંટણી સામે જયેશ પટેલે વાંધો ઉઠાવ્યો
તાજેતરમાં પાટણ નાગરિક સહકારી બેંક (Election of Patan Citizen Bank) દ્વારા ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે ત્યારે આ ચૂંટણી સામે બેંકના સભાસદ પટેલ જયેશકુમાર ચીમનલાલ પટેલ વાંધો ઉઠાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, હાલમાં કોરોનાની ગાઈડલાઈન અમલમાં છે. લગ્ન અને મરણ પ્રસંગમાં પણ પચાસ વ્યક્તિની છૂટ નથી, રસીકરણની કામગીરી પણ પૂરી થઈ નથી. ગાંધીનગર નગરપાલિકાની ચૂંટણી પણ સ્થગિત છે, ત્યારે આવા સમયે પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજવી યોગ્ય નથી.