પાટણ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા સમયાંતરે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે આજે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાતા સાયબર કાફે પર વિદ્યાર્થીઓ પોતાના પરિણામો જાણવા માટે દોડી ગયા હતા. તેથી સાયબા કાફે પર વિદ્યાર્થીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.
રણુંજ 1 સેન્ટરનું સૌથી વધુ પરિણામ :પાટણ જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા પાટણ અને હારિજ એમ બે ઝોનમાં લેવાઈ હતી. 22 કેન્દ્ર પર 64 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાઈ હતી. જેમાં કુલ 14,512 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. ગુજરાત શિક્ષણ બોર્ડ માર્ચ-એપ્રિલ 2023માં લેવાયેલી ધો 10 SSC પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણનું 62.17ટકા પરિણામ જાહેર થયું છે. પાટણ જિલ્લામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કુલ 8,936 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 5576 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાટણ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના પરિણામ 7 ટકા જેટલો વધારો થયો છે. સૌથી વધુ પરિણામ રણુંજ 1 સેન્ટરનું 84.19 ટકા આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ સાંતલપુર સેન્ટરનું 42.72 ટકા આવ્યું છે.
66 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો :બોર્ડની વેબસાઈટ પર પરિણામજાહેર થતાં જ વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પોતાનું પરિણામ જોયું હતું. તો કેટલાક વોસ્ટએપ પર નંબર નાખી પોતાનું રિઝલ્ટ જોયું હતું. પાટણ જિલ્લામાં 10 SSCનું પરિમાણ જાહેર થતાં જિલ્લાના 14,512 વિદ્યાર્થીઓ પૈકી 66 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 556 વિદ્યાર્થીઓએ A2, 1336 વિદ્યાર્થીઓએ B1 અને 2349 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. 2942 વિદ્યાર્થીઓએ C1 અને 1672 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. જ્યારે 80 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 0 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ પ્રાપ્ત કર્યા હતા.