પાટણ: ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17મી સપ્ટેમ્બરના રોજ 70મો જન્મદિવસ આવી રહ્યો છે. જેને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવશે.
પાટણમાં પણ પ્રદેશ ભાજપ દ્વારા વડાપ્રધાનના 70મા જન્મદિવસને અનુલક્ષીને સેવા સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી જિલ્લામાં અનેકવિધ સેવાકીય કાર્યો જેવા કે બ્લડ ડોનેશન, ગરીબોને મા કાર્ડ, અંત્યોદય કાર્ડના વિતરણ સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પાટણમાં સેવાકાર્યોનું આયોજન આ માટે જિલ્લાના 14 મંડળોમાં ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જની નિમણુંક પણ કરવામાં આવી છે. ત્યારે સેવા સપ્તાહની ઉજવણીનો સોમવારે ચાણસ્મા ખાતે સફાઈ અભિયાન કરી પ્રારંભ કરવામાં આવ્યો છે અને એક સપ્તાહ સુધી દરેક મંડળોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય કાર્યો કરી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.
આ ઉપરાંત પાટણ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા સપ્તાહ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ, 70 દિવ્યાંગોને કૃત્રિમ અંગોનું દાન, જરૂરીયાતમંદોને ચશ્મા, ફ્રૂટ વિતરણ સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ સહિતના કાર્યો કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.