ગુજરાત

gujarat

ETV Bharat / state

સિદ્ધપુરમાં બે દિવસીય માતૃ વંદના કાર્યક્રમનો દબદબાભેર પ્રારંભ - સિદ્ધપુર

માતૃ તર્પણ માટે અતિ વિખ્યાત એવું બિંદુ સરોવર સિદ્ધપુરની શાન છે. સિદ્ધપુરમાં બે દિવસીય માતૃ વંદનાનો કાર્યક્રમનો જોરશોરથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે લોક ગાયક રાજભા ગઢવીએ ડાયરાની રંગત જમાવી હતી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Siddhur Matru vandana Karykram Balvantsinh Rajput Rajbhaa Gadhvi

સિદ્ધપુરમાં બે દિવસીય માતૃ વંદના કાર્યક્રમનો દબદબાભેર પ્રારંભ
સિદ્ધપુરમાં બે દિવસીય માતૃ વંદના કાર્યક્રમનો દબદબાભેર પ્રારંભ

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2023, 5:22 PM IST

રાજભા ગઢવીએ ડાયરામાં સૂરો રેલાવ્યા

સિદ્ધપુરઃ સમગ્ર વિશ્વમાં માતૃ તર્પણ માટે સિદ્ધપુરને શ્રેષ્ઠ માનવામાં આવે છે. સિદ્ધપુર સ્વર્ગથી વેંત છેટુ તેવુ પણ કહેવાય છે. માતાનું મહાત્મ્ય વર્ણવતી આ ભૂમિ પર માતૃ વંદના કાર્યક્રમની દબદબાભેર શરુઆત થઈ છે. બે દિવસીય આ કાર્યક્રમની શરુઆત કેબિનેટ પ્રધાન બળવંત સિંહ રાજપૂતે દીપ પ્રાગટ્યથી કરી હતી. આ કાર્યક્રમના પ્રથમ દિવસે લોક ગાયક રાજભા ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવીને શ્રોતાઓનું મનોરંજન કર્યુ હતું.

દર વર્ષે માતૃ વંદના કાર્યક્રમનું આયોજનઃ સિદ્ધપુરનું પ્રાચીન મહત્વ ખૂબ જ છે. કપિલ મુનિ અને માતા દેવહતીના આત્મખોજની કથા સાથે સિદ્ધપુર સંકળાયેલું રહ્યું છે. માતા દેવહતીના આંસુથી બિંદુ સરોવરનું નિર્માણ થયું હોવાનું કહેવાય છે. આ સરોવરના કાંઠે માતૃ તર્પણનો મોટો મહિમા રહેલો છે. તેથી જ આ સ્થળે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ ગાંધીનગર, પાટણના જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું બે દિવસ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન બળવંત સિંહ રાજપૂત, લોક ગાયક રાજભા ગઢવી, જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગર પાલિકા પ્રમુખ અનિતા પટેલ, નગર પાલિકા ઉપ પ્રમુખ સોનલ ઠાકર, નિવાસી અધિક કલેકટર પ્રદીપ સિંહ રાઠોડ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ડાયરાની રમઝટઃ બે દિવસીય માતૃવંદના કાર્યક્રમના પ્રથમ દિવસે લોક ગાયક રાજભા ગઢવીએ સંગીતના સૂરોથી સમગ્ર વાતાવરણ સંગીતમય બનાવી દીધું હતું. દુહા અને છંદની આગવી રજૂઆતથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. રાજભાએ પોતાના અષાઢી કંઠમાં માતાના મહત્વનું સુંદર અને પાવન વર્ણન કર્યુ હતું.

સિદ્ધપુર માતૃ શ્રાદ્ધ માટે દેશભરમાં જાણીતું છે. સમગ્ર વિશ્વમાં આ પ્રખ્યાત ભૂમિનું સાંસ્કૃતિક મહત્વ વધે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ પ્રથાને આપણા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ યથાવત રાખી છે. બિંદુ સરોવરની આસપાસના વિસ્તારનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે...બળવંત સિંહ રાજપુત(કેબિનેટ પ્રધાન)

સિદ્ધપુર એટલે દેવોનું મોસાળ. અનાદિકાળથી માતૃ વંદના માટે આ સ્થળ વંદનીય છે. જગતમાં આવવાનો એક જ રસ્તો છે તે એટલે માતા. મને આ માતૃ વંદના કાર્યક્રમમાં ગાવાની તક મળી તે મારા માટે ગૌરવની બાબત છે...રાજભા ગઢવી(લોકગાયક)

  1. Sidhpur Nagarpalika: સિદ્ધપુર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી, મહિલાઓને સોંપાયું સુકાન
  2. Patan News: સિધ્ધપુરના કદમ આશ્રમમાં નેપાળ નરેશે આપેલો ઘંટ કરે છે ઓમકારનો નાદ

ABOUT THE AUTHOR

...view details