- યુનિવર્સિટી સેનેટની બે બેઠકો માટે ખેલાયો હતો ત્રિપાંખિયો જંગ
- 77 મતદારોમાંથી 75 મતદારોએ કર્યું મતદાન
- ભાજપના ત્રણ ઉમેદવારો વચ્ચે જામ્યો હતો ચૂંટણીજંગ
પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બે સભ્યોની મુદત પૂર્ણ થતાં આ બંને બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 6 ઉમેદવારોએ જંપલાવ્યા બાદ ફોર્મ પરત ખેંચવાના દિવસે કોંગ્રેસનાં ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. દરમિયાન સોમવારે યુનિવર્સિટીના રંગ ભવનમાં બે બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ ચૂંટણીમાં સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના મનીષ દોશીએ પણ મતદાન કર્યું હતું. ચૂંટણી અધિકારી બી.એમ.પટેલન હેઠળ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેમાં કુલ 77 મતદારો પૈકી 75 મતદારોએ મતદાન કર્યું હતું.
પાટણ યુનિવર્સિટીમાં સતત ચોથી વખત સેનેટ સભ્ય બની શૈલેષ પટેલે દબદબો જાળવી રાખ્યો
યુનિવર્સિટીનાં ઈતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ 43 મતો શૈલેષ પટેલને મળ્યા
ગુજરાત યુનિવર્સિટીનાં ગણિત વિષયના બે અધ્યાપકો દ્વારા મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આ પ્રતિષ્ઠા ભર્યા જંગમાં વર્તમાન બંને સેનેટ સભ્યો શૈલેષ પટેલ અને દિલીપ ચૌધરી પુનઃ ચુંટાઈ આવ્યા હતા. પાટણ યુનિવર્સિટીનાં ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ સમર્પિત ત્રણે ઉમેદવારો પૈકી એબીવીપીએ દિલીપ ચૌધરી અને સંજય પટેલને ટેકો જાહેર કરી બંને ઉમેદવારોને વિજયી બનાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. તેમ છતાં સંજય પટેલને માત્ર નવ વોટ મળ્યા હતા અને દિલીપ ચૌધરીને 36 મત મળ્યા હતા. જ્યારે સૌથી વધુ 43 મતોથી જીતનાર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, તેઓએ યુનિવર્સિટીના અને વિદ્યાર્થીઓનાં હિતમાં હર હંમેશા કામ કર્યું છે અને આગળ પણ કરતા રહેવાની ખાત્રી આપી હતી.