● પાટણમાં ધનતેરસના દિવસે ધન પૂજવાને બદલે કરવામાં આવે છે દરિદ્રનારાયણની સેવા
● પાટણના જાણીતા સેવાભાવી ગોરધનભાઈ ઠક્કર 12 વર્ષથી ચલાવી રહ્યા છે આ સેવાકીય પ્રવૃત્તિ
● શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભિક્ષુકો અને માનસિક અસ્વસ્થને એક સ્થળે એકત્ર કરવામાં આવે છે
● ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના 70 જન્મ દિવસથી મળી હતી પ્રેરણા
● ત્યારથી ગોરધનભાઈ દ્વારા ધનતેરસના દિવસે કરવામાં આવે છે દરિદ્રનારાયણની સેવા
પાટણઃ પ્રકાશના પર્વ દિવાળીની લોકો હર્ષોલ્લાસભેર ઉજવણી કરે છે પણ સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો, માનસિક અસ્વસ્થ, દરિદ્રનારાયણો માટે દરેક તહેવાર એક જેવા જ હોય છે. ધનતેરસના દિવસે દરેક વ્યક્તિ સોનાચાંદીના આભૂષણો, રોકડ રૂપિયા અને મહા લક્ષ્મી માતાની પૂજા કરી સદાય પોતાના ઘર ઉપર કૃપા બની રહે તેવી પ્રાર્થના કરે છે. આનાથી વિપરીત પાટણમાં છેલ્લા 12 વર્ષથી બેબા શેઠના હુલામણા નામે જાણીતા ગોરધનભાઈ ઠક્કર ( Philanthropist Gordhanbhai Thakkar ) દ્વારા સમાજથી તરછોડાયેલા અને ઉપર આભ અને નીચે ધરતીના સહારે જિંદગીના દિવસો પસાર કરતા ભિક્ષુકો માટે માટે એક સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.
ભરપેટ ભોજન સહિત દરિદ્રનારાયણોની અન્ય સેવા પણ કરી
આ વર્ષે પણ નગરપાલિકા સંચાલિત આશ્રયગૃહમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને ફુટપાટને જ પોતાનું ઘર બનાવી રહેતા લોકોને એકઠા કર્યા હતા. બેબા શેઠે આવા ભિક્ષુકોના વાળ, નખ કાપી, નવડાવી ધોવડાવી નવા કપડાં પહેરાવ્યાં હતાં અને ત્યારબાદ ભરપેટ ભોજન કરાવ્યું હતું. સેવા યજ્ઞની આ પ્રેરણા 12 વર્ષ અગાઉ રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલની ( Former Chief Minister Anandiben Patel ) પુત્રી અનાર દ્વારા મળી હોવાનું તેઓએ જણાવ્યું હતું. કોરોના સંક્રમણને ધ્યાને લઇ 12માં વર્ષે પણ આ સેવાયજ્ઞ ચાલુ રાખ્યો હતો. જેમાં સેનેટાઈઝર હેન્ડ ગ્લવ્ઝનો ઉપયોગ કરી દરિદ્રનારાયણની સેવા કરી ખરા અર્થમાં ધનતેરસની ( Dhanteras 2021 ) ઉજવણી કરી હતી.