પાટણઃ લોકડાઉનનો સમયગાળો ઘણા લોકોને કપરો કાળ લાગી રહ્યો છે ત્યારે પોતાના જીવને જોખમમાં મૂકી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા આરોગ્ય અને પોલીસ સહિત વિવિધ વિભાગના કર્મયોગીઓ રાત-દિવસ ઝઝૂમી રહ્યા છે. તેમના આરોગ્યની જાળવણીની તકેદારીના ભાગરૂપે શહેરની સેવાભાવી સંસ્થા દ્વારા ચાર સ્થળોએ સેનેટાઈઝેશન ટનલ મૂકવામાં આવી છે.
કોરોના વાયરસના સંક્રમણને ટાળવા દેશભરમાં લોકડાઉન અમલી છે ત્યારે સરકારના ઘણા વિભાગો લોકહિતાર્થે ફરજ બજાવી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ તપાસવા આરોગ્ય વિભાગની ટીમ, લોકડાઉનની ચુસ્ત અમલવારી કરાવવા પોલીસ વિભાગની ટીમ, સમગ્ર વિસ્તારમાં સેનેટાઈઝેશન કરવા નગરપાલિકાની ટીમ સતત કામ કરી રહી છે.
પોતાના સ્વાસ્થ્ય કે ઘર-પરિવારની ચિંતા કર્યા વગર ફરજ પર રહી અહર્નિશ કાર્યરત આ કર્મયોગીઓની આરોગ્ય જાળવણી માટે રૉટરી ક્લબ ઑફ પાટણ દ્વારા ચાર જેટલા સ્થળોએ સેલ્ફ સેનેટાઈઝેશન ટનલ તૈયાર કરી છે.
જે વિસ્તારના વ્યક્તિઓ COVID19 પોઝિટિવ આવ્યા છે અથવા સંક્રમણની શક્યતાઓ જ્યાં વધારે છે. તેવા સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના પ્રવેશદ્વારા પાસે, પોલીસકર્મીઓ માટે પોલીસ અધિક્ષકની કચેરી, સેનેટાઈઝેશન સહિતની કામગીરી કરતાં નગરપાલિકા ખાતે તથા આરોગ્યકર્મીઓ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલી સેલ્ફ સેનેટાઈઝેશન ટનલમાં સોડિયમ હાઈપોક્લોરાઈડ અને પાણીના મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે.
જરૂરિયાતમંદ લોકોને રાશનકીટના વિતરણથી લઈ જીવનજરૂરી ચીજવસ્તુઓનો જથ્થો પુરો પાડતી સેવાભાવી સંસ્થાઓને સલામ છે પણ સાથે સાથે આ મહામારીને નાથવા પોતાના આરોગ્ય કે ઘર-પરિવારની ચિંતા કર્યા વગર ખડેપગે રહેતા કર્મયોગીઓની દરકાર કરી તેમના તરફ આભારના ભાવ સાથે રૉટરી ક્લબ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વ્યવસ્થા સરાહનીય છે.