પાટણ:જિલ્લાના હારીજ ખાતે આવેલ શ્રી સિધ્ધેશ્વરી જીનીંગ કંપની એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં નિમ કોટેડ યુરિયા ખાતરનો સંગ્રહ કરી ગેરકાયદે ઔદ્યોગિક હેતુ માટે વેચાણ કરવાના ચાલતા નેટવર્કનો પાટણ એસ.ઓ.જી. પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોડાઉનમાંથી 1 લાખ 49 હજાર 773 રૂપિયાની કિંમતની યુરીયા ખાતરની 562 થેલી , આઇશર ગાડી , મોબાઇલ ફોન - બે મળી કુલ 11 લાખ 62 હજાર 294 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો . જયારે આયશર ગાડીના ડ્રાઇવર અને ગોડાઉન પર હાજર શખ્સ મળી બેની અટક કરી ચાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Patan News: હારિજમાં નીમ કોટેડ સબ્સિડાઈઝ ખાતર ઔદ્યોગિક એકમોને વેચવાનું કૌભાંડ ઝડપાયું, પાટણ SOGએ કર્યો પર્દાફાશ - પાટણ ન્યૂઝ
પાટણના હારીજ ખાતે આવેલી શ્રી સિધ્ધેશ્વરી જીનીંગ ફેકટરી એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના કમ્પાઉન્ડમાં આવેલા ગોડાઉનમાં સરકાર દ્વારા ખેડૂતોને અપાતા સબસીડીયુકત યુરીયા ખાતરનો સંગ્રહ કરી તેનો ગેરકાયદે ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ કરવાનો ગોરખધંધો પાટણ એસ.ઓ.જીને ઉજાગર કર્યો છે. આ અંગેની બાતમી મળતા SOG.ના PI આર.જી. ઉનાગર અને PSI વી.આર.ચૌધરીએ રેડ કરી હતી.
Published : Nov 5, 2023, 1:16 PM IST
યુરિયા ખાતર બારોબર વેંચી દેવાનું કૌભાંડ: SOG પોલીસના દરોડા દરમિયાન અહીંથી યુરીયા ખાતર ભરેલી સીવેલી તેમજ ખુલ્લી થેલીઓ ઉપરંત આયશર ગાડી મળી આવી હતી. પોલીસે ઉંડી તપાસ કરતા સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતા નીમકોટેડ યુરીયા ખાતરને બારોબાર વેચી તેનો ઔદ્યોગિક હેતુમાં ઉપયોગ કરાતો હોવાનું જાણવા મળ્યું હતું. એસઓજી પોલીસે હારીજ ખેતીવાડી અધિકારીને સ્થળ પર બોલાવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ક્રિભકો , ઇફકો , જી.એસ.એફ.સી. ( સરદાર ) યુરીયાની સબસીડીયુકત ૫૬૨ યુરીયા ખાતરની થેલીઓ કે જેની કિંમત 1 લાખ 49 હજાર 773 થવા જાય છે, તેને સગેવગે કરતા જપ્ત કરી હતી . આ ઉપરાંત વજન કાંટો મશીન, બે મોબાઇલ ફોન, આયશર ગાડી મળીને કુલ 11,62,294નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બે શખ્સની અટકાયત, બે સામે ગુનો: ગોડાઉન પર હાજર શખ્સ ભીખાભાઇ દેસાઇની પોલીસે અટક કરી પ્રાથમિક પુછપરછ કરતા આ યુરીયા ખાતરનો જથ્થો કોઇટાના મુજીબર રહેમાન ઉસ્માન આંબલીયાસણાએ કોઇટા - ડીસા હાઇવે ઉપર ગોડાઉનમાંથી ભરાવ્યુ હતું અને સિધ્ધેશ્વરી જીનીંગ એન્ડ ઓઇલ ઇન્ડ્રસ્ટીઝ - હારીજ ખાતે ખાલી કરવાનું જણાવ્યુ હતું. જ્યારે આયશર ગાડીના ડ્રાયવર ઠાકોર મનુજી ચતુરજી સિધ્ધપુરના કાકોશીના રહેવાશી છે. આ મામલે પોલીસ બે વ્યક્તિની અટકાયત કરી છે તેમજ બે વ્યક્તિ સામે હારીજ પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ સુપ્રત કરી છે.