- પાટણ પંથકના સંતનું લંડનની સંસ્થાએ એવોર્ડથી સન્માન કર્યું
- સંતે કોરોના મહામારી દરમિયાન કરેલી સેવાની સંસ્થાએ લીધી નોંધ
- સંસ્થાએ લોકસેવાના કાર્યોની તપાસ અને સરવે કર્યા સંતને આપ્યો એવોર્ડ
- રાજકીય આગેવાનો, સાધુ-સંતો અને સેવકોની ઉપસ્થિતિમાં કરાયું સન્માન
પાટણઃ તાલુકાના નોરતા ગામમાં શિકારીમાંથી અલૌકિક શક્તિ ગ્રહણ કરી સંત થનારા નરભેરામ મહારાજની ગાદી આજે પણ પંથકના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ ગાદી પર દોલતરામ મહારાજ નરભેરામ મહારાજના પગલે ચાલીને સમાજમાં લોકહિતના કાર્યો કરી રહ્યા છે. ત્યારે આ સંતે વૈશ્વિક કોરોના મહામારી (Corona Global Epidemic)માં 10,000થી વધુ લોકોને રાશન કિટ, જરૂરિયાત પરિવારને રોકડ સહાય, હોસ્પિટલોમાં ટિફિન સેવા, જરૂરી વિસ્તારોમાં મહિનાઓ સુધી ભોજનની વ્યવસ્થા, મેડીકલ સ્ટાફને પ્રોત્સાહન સહિતની કામગીરી કરી હતી. તેમની આ કામગીરીને જોતા વિશ્વની અગ્રણી સંસ્થા વર્લ્ડ રેકોર્ડ ઓફ લંડને (World Record of London, the world's leading organization) દોલતરામ મહારાજને સન્માનિત કર્યા હતા. લોકસેવાની તપાસ અને સરવે કર્યા પછી જ આ સંસ્થાએ તેમને એવોર્ડ આપ્યો હતો.
આ પણ વાંચો-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને બે એવોર્ડ એનાયત
દોલતરામ મહારાજને 'ઓનરેબલ સર્ટિફિકેટ' એનાયત કરાયું
રવિવારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન સંસ્થાના ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ નીતિન ઠાકોરના હસ્તે પંથકના સાધુ-સંતો રાજકીય આગેવાનો ભક્તો અને સેવકોની ઉપસ્થિતિમાં દોલતરામ મહારાજને 'ઓનરેબલ સર્ટિફિકેટ' એનાયત કરવામાં આવ્યું હતું. દોલતરામ મહારાજે પોતાને મળેલા આ સન્માનો શ્રેય ભક્તો, સેવકોને અર્પણ કર્યો હતો અને જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજ ઉપયોગી કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી.