પાટણઃ રાજ્યમાં ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. કિસાન હિતલક્ષી આવી જ બે નવી યોજનાઓનું લોકાર્પણ મુખ્ય પ્રધાન રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્યું હતુ. પાટણ જિલ્લામાં આ લોકાર્પણ સમારોહ ચાણસ્મા તાલુકાના રૂપપુર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ચાણસ્મા તાલુકાના લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજૂરી પત્રો અને હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યપ્રધાન રૂપાણીએ ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોના હિતને વરેલી છે. ગુજરાતના ખેડૂતો દરેક પરિસ્થિતિમાં સારી ખેતી કરવા માટે સક્ષમ છે અને ખેડૂતો માટે લીધેલા આ સાત પગલાં તેમને નવું બળ પૂરું પાડશે. ટેકનોલોજીના ઉપયોગ સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
પાટણ જિલ્લામાં "સાત પગલા ખેડૂત યોજના"નો શુભારંભ કરાયો
ચાણસ્માં, હારિજ અને શંખેશ્વર તાલુકાના ખેડૂતો માટે રૂપપુર ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં GIDC ચેરમેન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દેશનો વિકાસ ખેડૂતોની પ્રગતિ પર આધારિત છે. ખેડૂતોએ ગુણવત્તાયુક્ત પેદાશ પર ભાર આપવો જોઈએ જેથી તેઓને સારું વળતર મળી રહે.
સરકાર અનેક યોજનાઓ થકી ખેડૂતોને સમૃદ્ધ બનાવવા પ્રયાસો કરી રહી છે. આ કાર્યક્રમમાં ત્રણ તાલુકાઓના 1301 લાભાર્થી ખેડૂતોને સ્ટ્રક્ચર યોજનાના મંજૂરી પત્રો મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 56 લાભાર્થી ખેડૂતોને કિસાન પરિવહન વાહન યોજનાના હુકમ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા સાત પગલાં ખેડૂત કલ્યાણ નીતિને ખેડૂતો આવકારી રહ્યા છે અને સરકાર દ્વારા જે યોજનાનો લાભ મળ્યો છે. તેનાથી ખેડૂતો હવે પોતાના ખેતરમાં જ માલનો સંગ્રહ કરી શકશે અને સમય મર્યાદામાં પોતાના વાહનો દ્વારા જ બજારમાં વેચાણ અર્થે લઇ જઇ શકશે.
પાટણ જિલ્લામાં સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ ત્રણ તાલુકાઓમાં યોજાયો હતો. જેમાં સિદ્ધપુર ખાતે પાટણ સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના ખેડૂતોનો રાધનપુર ખાતે, સાંતલપુર અને રાધનપુર તાલુકાના ખેડૂતોનો અને ચાણસ્મા હારિજ અને શંખેશ્વર તાલુકાના ખેડૂતો માટે રૂપપુર ગમે કાર્યક્રમ યોજાયો હતો.