પાટણ:યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા હેઠળ સરકાર દ્વારા ભારતમાં પરત લાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાટણના 12 વિદ્યાર્થીઓ મોડી રાત્રે હેમખેમ પોતાના ઘરે આવી પહોંચતા પરિવારજનો અને વાલ માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.
પાટણ વિદ્યાર્થીઓ પોલેન્ડથી સ્પેશિયલ ફ્લાઈટમાં સુરક્ષિત દિલ્હી લવાયા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia Ukraine War)શરૂ થયું છે જેને લઇને યુક્રેનમાં મેડિકલના અભ્યાસ (Medical studies in Ukraine)અર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. આ વિદ્યાર્થીઓને હેમખેમ પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યુ છે અને રોજેરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે ત્યારે ગતરોજ મોડીરાત્રે પાટણ શહેરના 12 જેટલા વિદ્યાર્થીઓ ઈન્ડિયન એમ્બેસી દ્વારા વ્યવસ્થા કરાયેલ સ્પેશ્યલ ફ્લાઇટ (Special flight)મારફતે દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાંથી volvo busમાં સિદ્ધપુર અને ત્યાંથી પોતાના ઘરે આવી પહોંચતા સમગ્ર પરિવારમાં ખુશી વ્યાપી હતી. પોતાના દીકરા દીકરીઓને સુરક્ષિત જોઈને માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે સાથે સરકારની આ કામગીરીની વાલીઓએ પણ સરાહના કરી ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
બોર્ડર ઓળંગવા ભારતીય તિરંગો વિદ્યાર્થીઓ નો સહારો બન્યો
યુક્રેનની ટરનોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતાં પાટણના અતીત પટેલે જણાવ્યું હતું કે યુદ્ધ નું કાઉન્ટડાઉન શરૂ થતાં જ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને કહ્યું કે આ જગ્યા સલામત નથી તમે અન્ય સ્થળે જતા રહો તેથી વિદ્યાર્થીઓ બેબાકળા બની જે વાહન મળ્યું તેમાં નજીકની બોર્ડરે પહોંચી ગયા હતા પરંતુ યુક્રેન આર્મી (Ukraine Army)દ્વારા બે દિવસ સુધી સરહદ ઓળંગવા ન દેતા બે દિવસ ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું હતું અને ત્રીજા દિવસે અમોને આગળ જવા દીધા હતા પોલેન્ડ બોર્ડર (Poland Border)સુધી પહોંચવા માટે યુક્રેન નાગરિકો પણ મોટી સંખ્યામાં આવી પહોંચતા અફડાતફડી મચી હતી ભારતીય તિરંગા ધ્વજને (Indian flag) કારણે અમને બોર્ડર ઓળંગવામાં સરળતા રહી હતી. ભારતીય વિદ્યાર્થીઓ સિવાય પાડોશી દેશના વિદ્યાર્થીઓ પણ બોર્ડર ક્રોસ કરવા માટે ભારતીય તિરંગા નો ઉપયોગ કરતાં હતાં જેને કારણે બોર્ડર ઉપર મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ.