- પાટણમાં સામાન્ય વરસાદમાં જ રોડ-રસ્તા ધોવાયા
- રાજકાવાડાથી ખાન સરોવર સુધીનો માર્ગ બન્યો બિસ્માર
- માર્ગ ઉપર પાણીના ખાબોચિયા ભરાઈ રહેતા લોકોને હાલાકી
- સ્થાનિકોમાં નગરપાલિકા સામે ભારે રોષ
પાટણઃ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે. આ સાથે જ નગરપાલિકાની પોલી ખૂલી ગઈ છે. પાટણના વોર્ડ નંબર 10 અને 9માં આવેલા કાલીબજાર, ખલકપરા ના મુખ્ય માર્ગો ઉપર છેલ્લા એક વર્ષથી ગટરો ઊભરાતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે પાલિકાએ નવી પાઈપલાઈનો નાખવાની કામગીરી શરૂ કરાવી છે. તેમ જ અડધા પાટણ શહેરનું વરસાદી પાણી આ માર્ગ પરથી વહેતું હોય વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ નાખવા ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ દિશાવિહીન નગરપાલિકાના સત્તાધીશોએ ભરચોમાસે આ કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન જ વરસાદ પડતા 10 ફૂટથી વધુ ઊંડા ખોદેલા ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. આથી ગટરના દૂષિત પાણીના કારણે માર્ગોનું ધોવાણ થઈ ગયું હતું અને આજુબાજુ ગંદકી ફેલાઈ હતી. અત્યારે રસ્તા પર મોટા મોટા ખાડા પડી જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તાનું નામોનિશાન હટી ગયું
આ બિસ્માર રસ્તાઓ પર અનેક ધાર્મિક સ્થળો છે, જ્યાં આવતા શ્રદ્ધાળુઓને ફરજિયાતપણે આ દૂષિત પાણીમાં થઈને જ પસાર થવું પડી રહ્યું છે. ખાલકપરા પાસે તો રોડનું નામોનિશાન મટી જતા ઠેરઠેર કપચી અને દૂષિત પાણી ભરાયેલા ખાબોચિયા જ જોવા મળે છે. આ માર્ગની હાલત એટલી હદે બિસ્માર બની છે કે, બાઈકચાલક અને રિક્ષાચાલકો માટે પણ પસાર થવું મુશ્કેલ બન્યું છે.