પાટણ: રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે પાટણ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીને નિયંત્રણમાં રાખવા તમામ વિભાગના અધિકારીઓએ ટીમવર્ક દ્વારા ઉત્તમ કામગીરી કરી છે. આ જ પ્રકારે આગામી સમયમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવી શકાશે. મુખ્ય સચિવે આ સંદર્ભે કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે રજૂ કરવા અનુરોધ કરી, જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.
પાટણ: covid-19 સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને યોજાઇ સમીક્ષા બેઠક
કોરોના વાયરસ મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમના અધ્યક્ષસ્થાને પાટણ જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોવિડ-19 સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી મુખ્ય સચિવે ભવિષ્યની પરિસ્થિતિને પહોંચી વળવા ઉચ્ચ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
કોવિડ-19ના વધી રહેલા કેસની સંખ્યામાં ઘટાડો કરવા સઘન સર્વેલન્સ પર ભાર મુકતાં મુખ્ય સચિવે જણાવ્યું કે, કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં ધન્વંતરી રથ દ્વારા તથા આરોગ્ય કેન્દ્રો પર સર્વેલન્સ કરી શંકાસ્પદ દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે પ્રકારની વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવે તો સંક્રમણનું પ્રમાણ અને પરિણામે મૃત્યુદર પણ ઘટાડી શકાશે.
પાટણ જિલ્લામાં કોવિડ-19ની સમગ્ર પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે મુખ્ય સચિવને માહિતગાર કર્યા હતા. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, શંકાસ્પદ દર્દીઓ શોધવા માટે જિલ્લામાં 720 જેટલી સર્વેલન્સ ટીમ ઉપરાંત ધન્વંતરી રથ પણ કાર્યરત છે. વધુમાં પેસિવ સર્વેલન્સ દ્વારા પણ પરિસ્થિતી પર સતત નજર રાખવામાં આવી રહી છે. કન્ટેઈનમેન્ટ ઝોનના ચુસ્ત પાલન સાથે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે અને ફરજીયાત માસ્ક પહેરે તે દિશામાં પણ અમલવારી કરવામાં આવી રહી છે.