પાટણઃ કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા તબક્કાવાર લોકડાઉનમાં સમગ્ર રાજ્યમાં એસટી બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. ત્યારે કેન્દ્ર સરકારે લોકડાઉન-4 બાદ અનલોક 1 જાહેર કરી તમામ છૂટછાટો આપી છે. જેને અનુસંધાને રાજ્ય સરકારે મુસાફરોના હિતમાં એસટી બસ સેવા ચાલુ કરવાનો નીર્ધાર કરી આ બાબતે નિગમ ના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી રાજ્યમાં બસ સેવા શરૂ કરી છે.
પાટણથી રાજ્યના અન્ય શહેરોને જોડતી બસ સેવા શરૂ
પાટણ એસટી ડેપો દ્વારા સરકારની સૂચના મુજબ નિયમોને આધીન સોમવારથી અન્ય જિલ્લાઓમાં એસટી બસ સેવા ચાલુ કરી છે. જેને કારણે જિલ્લાના લોકોને પરિવહન કરવામાં સરળતા રહેશે. પાટણ એસટી ડેપો દ્વારા 21 શિડયુલની 72 ટ્રીપો શરૂ કરી છે. જેને કારણે પાટણ એસટી ડેપોમાં મુસાફરોની ચહલપહલ જોવા મળી હતી.
પાટણ ડેપો દ્વારા તકેદારીના ભાગ રૂપે તમામ બસોને સેનેટાઇઝ કરી મુસાફરીની સેવામાં મૂકવામાં આવી છે. ડેપો દ્વારા અગાઉ જિલ્લાના વિવિધ નગરોને જોડતી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. ત્યારે સોમવારે જિલ્લા બહારની અમદાવાદ, મહેસાણા, માંડવી, ડીસા, વિસનગર,હિંમતનગર,દિયોદર, થરાદ, સહિત એસટી સંચાલન શરૂ કરવામાં આવ્યું છે.
પાટણ ડેપો દ્વારા હાલમાં દરેક મુસાફરને સ્કેનિંગ કરી બસમાં પ્રવેશ આપવામાં આવે છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે એક બસમાં 30 મુસાફરોને બેસાડવામાં આવે છે.