પાટણ: વહીવટી તંત્ર દ્વારા નગરદેવી કાળકા માતાના મંદિર પરિસરની આસપાસ ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા આઠ જેટલા પરિવારોના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ તંત્રને પણ સાથે રાખવામાં આવ્યુ હતુ.
પાટણમાં મંદિરની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા - લેટેસ્ટ ન્યુઝ ઓફ પાટણ
પાટણ વહીવટી તંત્ર દ્વારા ફરી એકવાર નગરદેવી કાળકા માતાના મંદિર પરિસરની આસપાસ ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા આઠ જેટલા પરિવારોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા પાટણ જિલ્લાના પ્રાચીન મંદિરોના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.ત્યારે પાટણના નગરદેવી કાળકા માતાના મંદિરના વિકાસ માટે સરકારે રૂપિયા 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. આ મંદિરની આસપાસની જગ્યામાં ઘણા વર્ષોથી દબાણ કરીને રહેતા આઠ જેટલા પરિવારોને દબાણો દૂર કરવા વહીવટી તંત્રએ નોટિસ આપી હતી. તેમ છતાં આ દબાણો દૂર ન થતા વહીવટી તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને JCB વડે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.આ પરિવારો નિરાધાર ન બને તે માટે તેઓને મફત પ્લોટ ફાળવણી માટેના ફોર્મ ભરવાની સમજણ વહીવટી તંત્રએ આપી હતી.
જો કે વિસ્તારના રહીશોએ આ મકાનો બિલ્ડરોના ઈશારે દૂર કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા.વિસ્તારના લોકોના કહેવા પ્રમાણે પાટણની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જીડાયેલા બે બિલ્ડરોએ આ મકાનો ખાલી કરાવવા માટે મકાન માલિકોને મોટી રકમની ઓફર કરી હતી. પણ લોકો મકાન ખાલી કરવા તૈયાર ન થયા એટલે વહીવટી તંત્ર પર દબાણ લાવી આ મકાનો દૂર કરવામાં આવી રહયા હોવાના આક્ષેપો કર્યા હતા.