- જિલ્લા કલેકટર અને જિલ્લા પંચાયત પ્રમુખનાં હસ્તે મેળાનો શુભારંભ કરાયો
- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાદેશિક મેળાનું આયોજન કરાયું
- 30 ઓક્ટોબર સુધી પ્રાદેશિક મેળો કાર્યરત રહેશે
- મેળામાં વિવિધ વસ્તુઓનાં 25 સ્ટોલ કાર્યરત
પાટણ : સ્વ સહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની વસ્તુઓને યોગ્ય બજાર મળી રહે અને દિવાળીના તહેવારો પ્રસંગે નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્ય સામગ્રીઓ તથા હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ મળી રહે તેવા હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 26 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર સુધી પ્રાદેશિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાને આજે મંગળવારે વિધિવત રીતે જિલ્લા કલેકટર અને જિલ્લા પંચાયતના પ્રમુખનાં હસ્તે ખુલ્લો મુકાયો હતો.
૨૫ જેટલા સખીમંડળનાં સ્ટોલ મૂકાયા
પ્રાદેશિક મેળામાં જિલ્લા વિકાસ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટોલમાં વેચાણ માટે પ્રદર્શિત કરવામાં આવેલ વસ્તુઓનું નિરીક્ષણ કરી જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ વિવિધ સખી મંડળની મહિલાઓ સાથે સંવાદ કરી તેમની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. જિલ્લા કલેકટર Supreet Singh Gulati એ જણાવ્યું હતું કે, અહીં ૨૫ જેટલા સખીમંડળ દ્વારા મોર્ડન અને ટ્રેડિશનલ પહેરવેશ અને હાથ બનાવટની વિવિધ વસ્તુઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. શહેરીજનો આ પ્રાદેશિક મેળામાંથી ખરીદી કરી શકશે જેના કારણે સખી મંડળની મહિલાઓને આર્થિક મદદ મળશે.