પાટણઃ ગુજરાત રાજ્યમાં આજથી સસ્તા અનાજની દુકાનના સંચાલકો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં એક એક કરીને જિલ્લા જોડાતા જાય છે. હવે પાટણ જિલ્લાના સસ્તા દુકાનના સંચાલકો પણ જોડાઈ ગયા છે. કુલ 500 જેટલી સસ્તા અનાજના દુકાન સંચાલકો આ હડતાળમાં જોડાયા છે. જેના પરિણામે પાટણ જિલ્લાના 2 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો તહેવારના દિવસોમાં મુંજવણમાં મુકાઈ ગયા છે.
અગાઉની મીટિંગ નિષ્ફળઃઅગાઉ ગુજરાત સરકારે સસ્તા અનાજ દુકાન સંચાલક એસોસિયેશનના આગેવાન પ્રહલાદ મોદી અને મહિપત સિંહ ગોહિલ સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં ગુજરાત સરકારે સંચાલકોને મિનિમમ 20,000 રુપિયા કમિશનનું વચન આપ્યું હતું. જો કે બીજા દિવસે કરેલ જીઆરમાં 300 રેશન કાર્ડની શરત ઉમેરતા મોટા ભાગના દુકાનદારોને અન્યાય થયો હતો. સરકારની હૈયાધારણ નિષ્ફળ નિવડતા આજથી સસ્તા અનાજની દુકાન સંચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. પાટણ જિલ્લાના કુલ 500 જેટલા દુકાન સંચાલકો આ હડતાળમાં જોડાઈ ગયા છે. જેના પરિણામે સમગ્ર પાટણ જિલ્લાના કુલ 5,27,422 રેશનકાર્ડ ધારકોને દિવાળીના દિવસોમાં અનાજના જથ્થાથી વંચિત રહેવાની સ્થિતિ પેદા થઈ છે.