પાટણઃ કોરોના મહામારીને કારણે વહીવટી તંત્ર દ્વારા રથયાત્રા મોકૂફ રાખવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખી ટ્રસ્ટી ગણ દ્વારા ભગવાન જગન્નાથ મંદિર ખાતે ભગવાનની વિવિધ ધાર્મિક પૂજા વિધિ કરવામાં આવી હતી. સવારથી મંદિરમાં ભગવાનના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ભક્તોએ માસ્ક સાથે ભગવાનના દર્શન કર્યા હતા, તો બપોરે 12:39 કલાકે વિધિવત રીતે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ત્રણેય રથોમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને બિરાજમાન કરી મંદિર પરિસરમાં દર્શનાર્થે મૂકવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાવિકો રથયાત્રામા જોડાયા હતા અને મહાઆરતીનો લાભ લઇ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જય રણછોડ માખણચોરના નાદથી મંદિર પરિસર ગૂંજી ઊઠયું હતું, આરતી બાદ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલે રથને ખેંચી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી, જે રથયાત્રા મંદિર પરિસરમાં જ પ્રતીકાત્મક રીતે પરિક્રમણ કરી પૂર્ણ કરવામાં આવી હતી.