પાટણમાં મેઘ તાંડવથી જનજીવન પર અસર, લોકોની અવરજવર પાંખી રહેતા જાહેર માર્ગો સુમસામ પાટણ : બિપરજોય વાવાઝોડા એ છેલ્લા બે દિવસથી સમગ્ર જિલ્લાને વરસાદથી ઘમરોળ્યું છે. ભારે પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ થતાં સમગ્ર જનજીવન પર તેની વ્યાપક અસર થઈ છે. વરસાદી પાણી માર્ગો પર ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીઓ વેઠવી પડી છે. છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લામાં બે ઇંચથી લઈને 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : પાટણ શહેર સહિત જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ છે. જેને પગલે તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. આકાશ વાદળછાયુ બન્યું છે અને છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વરસાદી પાણી માર્ગો પર ફરી વળતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીને લઈને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.
ક્યા કેટલા ઈંચ વરસાદ : પાટણ જિલ્લામાં વાવાઝોડાની પગલે છેલ્લા 24 કલાકમાં 2થી 8 ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વાવાઝોડાને પગલે પાટણ અને રાધનપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. રાધનપુરમાં 205 mm, સાંતલપુરમાં 213 mm, પાટણમાં 113 mm, ચાણસ્મામાં 50 mm, શંખેશ્વરમાં 38 mm, સમીમાં 103 mm, સરસ્વતીમાં 101 mm, સિદ્ધપુરમાં 98mm અને હારીજમાં 116 mm વરસાદ નોંધાયો છે.
વિસ્તારમાં નુકસાની : રાધનપુર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાને લઈને અનેક વિસ્તારોમાં ડીપી બળી જવી, વીજ થાંભલા અને વાયરો તૂટી જવાના કારણે લાઇટો બંધ થઈ હતી, ત્યારે આવી પરિસ્થિતિમાં યુજીવીસીએલના કર્મચારીઓએ પોતાની ફરજ અદા કરી રાત્રિના સમયે પણ પોતાની કામગીરી કરી વીજ પુરવઠો કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી હતી.
અગમચેતીના ભાગરૂપે સ્થળાંતર :વાવાઝોડાને પગલે જિલ્લામાં કુલ 3000થી વધુ લોકોનું અલગ અલગ સ્થાનોમાં અગમચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તમામ આશ્રય સ્થાનોમાં આશરો લઇ રહેલા અસલગ્રસ્તોને તમામ પ્રકારની સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી છે. પાટણ શહેર સહિત જિલ્લામાં બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત બન્યું હતું અને લોકોની અવરજવર પાંખી રહેતા જાહેર માર્ગો સુમસામ ભાસતા હતા. હવામાન વિભાગ દ્વારા 17મી તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે સવારથી જ વાતાવરણ વરસાદી બની હતું અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.
- Cyclone Biparjoy Landfall Impact : બિપરજોય વાવાઝોડા સામે જીત્યું ગુજરાત, ઝીરો કેઝ્યુલિટીનો દાવો સાચો પડ્યો
- Gujarat Cyclone Impact: અત્યાર સુધીમાં 420 થી વધુ વીજપોલને નુકસાની, અનેક વૃક્ષો જમીનદોસ્ત
- Cyclone Biparjoy Landfall Impact: દ્વારકામાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા PGVCLની 120 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી