એક સમયે આંદોલનકારી બની સમાજ એકતાની મિશાલ આપતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાયા બાદ ધારાસભ્ય પદું ભોગવીને કેસરિયો ધારણ કરી લીધો. આંદોલનકારી, કોંગ્રેસ કે ભાજપ ત્રણેય ભૂમિકામાં અલ્પેશ ઠાકોરે સમાજ એકતાની વાતનું હંમેશા રટણ કર્યું છે. તેવા સમયે હવે પક્ષપલ્ટા બાદ ભાજપે તેમને રાધનપુરથી ચૂંટણી મેદાને ઉતાર્યા છે. પરંતુ અહીં તેમની જ કર્મભૂમિમાં સમાજ એકતાના લીરેલીરા ઉડ્યા છે. કારણ માત્ર એટલું જ કે અલ્પેશ ઠાકોર સામે ખુદ ઠાકોર સમાજના 4 આગેવાનો ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે અલ્પેશ ઠાકોરે ખરેખર સમાજ એકતા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ હોત તો તેમની સામે સમાજના જ આગેવાનો ચૂંટણી ન લડતા હોત.
રાધનપુર પેટાચૂંટણીઃ સમાજની એકતાની વાત કરતા અલ્પેશ સામે 4 ઠાકોર ચૂંટણી મેદાને...
પાટણઃ 21 ઓક્ટોબરે યોજાનાર વિધાનસભા ચૂંટણીના ફોર્મની ચકાસણીનો દોર ચાલી રહ્યો છે. જે અંતર્ગત રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણી જંગમાં ફોર્મ ચકાસણી બાદ 13 ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા માત્ર 10 ઉમેદવારો જ ચૂંટણી જંગમાં રહ્યાં છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, અને NCPના ઉમેદવારો વચ્ચે ત્રિકોણીયો જંગ જામે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.
ખેર પણ આજે ચૂંટણી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, ત્યારે રાધનપુર વિધાનસભા બેઠક પર ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. 10 ઉમેદવારો જ ચૂંટણી જંગમા રહ્યા છે. હવે આ ચૂંટણીમાં ભાજપ તરફથી અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ તરફથી રઘુભાઈ દેસાઈ, NCP તરફથી ગોકલાણી ફરસુભાઈ સહીત 7 અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સામે અન્ય ચાર ઠાકોર, બે મુસ્લિમ અને એક ચૌધરી ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. આમ આ ચૂંટણી અલ્પેશ ઠાકોર માટે કપરા ચડાણ સમાન બને તો નવાઈ નહી.