ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના ખેડૂતે આરોગ્યવર્ધક ઓર્ગેનિક આંબળાના વાવેતર થકી લાખોની કમાણી ઉભી કરી

પાટણના ખેડૂત નટવરભાઈએ બે વીઘા જમીનમાં પ્રાકૃતિક ઢબે આરોગ્યવર્ધક આંબળાનું વાવેતર કરી લાખો રૂપિયાની આવક કરી છે. આ પ્રેરણારુપ પહેલથી આકર્ષાઈને પંથકના અન્ય ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. ઉપરાંત શિયાળાની શરૂઆત સાથે જિલ્લાભરમાં ઓર્ગેનિક આંબળાની માંગ પણ વધી છે.

પાટણના પ્રગતિશીલ ખેડૂત
પાટણના પ્રગતિશીલ ખેડૂત

By ETV Bharat Gujarati Team

Published : Dec 11, 2023, 3:52 PM IST

પાટણના પ્રગતિશીલ ખેડૂતે રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી

પાટણ :દેશના વડાપ્રધાન દ્વારા સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે ખેતીમાં પણ આમૂલ પરિવર્તન કરવા ખેડૂતોને કુદરતી ખેતી કરવા માટે હાકલ કરી છે. જેના ભાગરૂપે દેશના અનેક ખેડૂતો રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી કુદરતી ખેતી તરફ વળ્યા છે. જેમાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામના ખેડૂત નટવરભાઈ પણ ઓર્ગેનિક ખેતી અપનાવી પોતાની બે વીઘા જમીનમાં આમળાનું વાવેતર કરી લાખોની કમાણી કરી રહ્યા છે.

પ્રગતિશીલ ખેડૂત નટવરભાઈ : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામના પટેલ નટવરભાઈ પહેલા ચીલા ચાલુ ખેતી કરતા હતા. પરંતુ આ ખેતીમાં રાસાયણિક ખાતર,બિયારણ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી વાવેતર કરતા હતા. જેમાં પાણી મેળવવાની મુશ્કેલી અને રોગચાળાને પાકમાં થતા રોગને લઈને ભારે નુકસાન થતું હતું. પરંતુ બદલાતા સમય અને ખેતીમાં આવેલ પરિવર્તનથી પ્રેરાઈને રાસાયણિક ખેતીને અલવિદા કહી પ્રાકૃતિક ખેતી અપનાવી છે.

ઓર્ગેનિક આંબળાનું વાવેતર : નટવરભાઈએ તેમના પિતા અને પાટણ બાગાયતી ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ હિંમતનગર વિસ્તારમાંથી 110 આંબળાના છોડ લાવ્યા અને પોતાની બે વીઘા જમીનમાં તેનું વાવેતર કર્યું. જીવામૃતનો ઉપયોગ કરી વિવિધ પ્રકારની દવા બનાવી ઓર્ગેનિક પદ્ધતિથી જમીનને ફળદ્રુપ બનાવી.

પ્રાકૃતિક ખેતીથી આવક વધી :આ પ્રકારની પ્રાકૃતિક ખેતી કરતા આંબળાના ઝાડ ઉપર આવતા ફળ મોટા, રસવાળા અને રેસા વગરના ઉત્પન્ન થતા તેની માંગ પણ વધવા લાગી છે.ચાલુ સિઝનમાં પાટણના પ્રગતિશીલ ખેડૂત નટવરભાઈ પટેલે 250 થી 300 મણ આમળાનું ઉત્પાદન કર્યું છે. જેમાંથી તેઓ દોઢ લાખની આવક મેળવી રહ્યા છે. હાલ બજારમાં મંડલોપના ઓર્ગેનિક આમળાની માંગ વધી રહી છે.

આરોગ્યવર્ધક ઓર્ગેનિક આંબળા

આરોગ્યવર્ધક આંબળા :શિયાળાની ઋતુમાં શરીરને તંદુરસ્ત અને આરોગ્ય સારું રાખવા માટે લોકો કસરત અને યોગ સહિત વિવિધ વસાણાનું સેવન કરે છે. પરંતુ આ બધામાં આયુર્વેદની દ્રષ્ટિએ આંબળાને ઉત્તમ માનવામાં આવે છે. આયુર્વેદમાં આમળાને રસાયણ તરીકે ઓળખવામાં આવે છે, જેનું સેવન દરેક વ્યક્તિ બારે મહિના કરી શકે છે. વિટામિન C થી ભરપૂર આંબળાનું સેવન કરનારને શારીરિક લાભ તો થાય જ છે, સાથે સાથે આંબળાની ખેતી કરનાર ખેડૂતનું પણ આર્થિક લાભ થાય છે.

પ્રેરણાદાયી ઉદાહરણ : પ્રગતિશીલ ખેડૂત દ્વારા ઓર્ગેનિક પદ્ધતિથી કરવામાં આવેલી આંબળાની ખેતી જોવા આસપાસના અન્ય ગામના ખેડૂતો જોવા આવી રહ્યા છે. નટવરભાઈ છોડની જાળવણી અને માવજત કરી સારા પ્રકારના ગુણવત્તાયુક્ત આમળાનું ઉત્પાદન કરી તેમાંથી સારી કમાણી કરી રહ્યા છે. નટવરભાઈ જે પ્રકારનું વાવેતર કર્યું છે તે નિહાળી અન્ય ખેડૂતો પણ પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરવાનું આયોજન કરી રહ્યા છે.

શિયાળામાં આંબળાની માંગ વધી : આંબળાની સીઝન શરૂ થતા જ ચાણસ્મા પંથકના લોકો અને વેપારીઓ મંડલોપ ગામના નટવરભાઈના ખેતરમાં આમળાની ખરીદી કરવા પહોંચી જાય છે. આ આંબળાનું તદ્દન પ્રાકૃતિક ઢબે ઉત્પાદન કરેલ હોય તે મોટું અને રેસા વગરનું હોવાથી તેની માંગ પણ વધે છે. શિયાળામાં આ આમળાનું સેવન તંદુરસ્તી માટે પણ ફાયદાકારક છે. પંથકના લોકો મોટી માત્રામાં આ સ્થળેથી આમળાની ખરીદી કરે છે. શિયાળાના પ્રારંભથી જ આરોગ્યવર્ધક અને શક્તિવર્ધક આંબળા બજારમાં ઠેર ઠેર વેચાતા જોવા મળે છે. ગૃહિણીઓ મોટી માત્રામાં આંબળાની ખરીદી કરી આ ગુણકારી આમળાનું વર્ષ દરમિયાન સેવન કરવા વિવિધ રીતે ઉપયોગ કરે છે, તેથી ઓર્ગેનિક આમળાની માંગ વધી છે.

  1. પાટણ ન્યૂઝ: સિંચાઈ માટે પાણી આપો, ખાલીખમ કેનાલોમાં ઉતરીને ખેડૂતોએ કરી પાણી છોડવાની માંગ
  2. Patan News: પાટણમાં 160 વર્ષથી બનતી મીઠાઈ 'દેવડા' આજે પણ છે હોટ ફેવરિટ, વિદેશમાં પણ થાય છે એકસ્પોર્ટ

ABOUT THE AUTHOR

...view details