- પાટણમાં પ્રાથમિક શિક્ષકોને કોરોના રસી અપાઇ
- પ્રથમ દિવસે 1000 શિક્ષકોને આપવામાં આવી રસી
- એમ.એન હાઇસ્કૂલ ખાતે 300 શિક્ષિકાઓએ લીધી કોરોના રસી
પાટણ: કોરોના વેક્સિનેશન અભિયાનના બીજા તબકકાનો પ્રારંભ થયો છે. ફ્રન્ટલાઈન વોરિયર તરીકે કામ કરનાર શિક્ષકોને રસીકરણ કામગીરી શહેરની એમ.એન હાઇસ્કુલ ખાતે જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. પ્રથમ દિવસે જિલ્લાના 9 તાલુકાઓમાં એક હજારથી વધુ શિક્ષક ભાઇ બહેનોને રસી આપવામાં આવી હતી. ત્યારે આગામી બે-ત્રણ દિવસમાં 5400 જેટલા શિક્ષકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે.
શિક્ષકોને કોરોના પ્રતિરોધક રસી અપાઇ ફ્રન્ટલાઈન વોરિયર તરીકે કામ કરનાર શિક્ષકોને અપાઈ રસી કોવિડ 19 સામે પ્રતિરોધક રસી માટેના વેક્સિનેશનનો પ્રારંભ 16 જાન્યુઆરીથી પાટણ જિલ્લામાં કરવામાં આવ્યો હતો. આરોગ્ય કર્મચારીઓ બાદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ અને પોલીસના અધિકારી કર્મચારીઓને રસી આપ્યા બાદ ફ્રન્ટલાઈન વોરિયર તરીકે કામ કરનાર શિક્ષકોને રસીકરણ કરવાની કામગીરી શહેરની એમ.એન હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવી હતી. શહેરની એમ.એન હાઇસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી બી.એ.ચૌધરીએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. એમ.એન.હાઈસ્કૂલના વેકસીનેશન સેન્ટર ખાતે 350 શિક્ષકો પૈકી 300 જેટલી શિક્ષીકાઓએ રસી લીધી હતી. પ્રથમ દિવસે 60 જેટલા CCS અને PSC સેન્ટર ખાતે એક હજાર જેટલા શિક્ષકોને રસી આપવામાં આવી હતી.
જિલ્લાના 5400 જેટલા પ્રાથમિક શિક્ષકોને રસી અપાશે
પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એ ચૌધરીએ રસી લીધા બાદ પોતાના અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રસી અંગેની જે અફવાઓ ચાલી રહી છે તે તદ્દન ખોટી છે. સરકાર દ્વારા આપવામાં આવી રહેલી કોરોના વેક્સિન સંપૂર્ણ સલામત અને સુરક્ષિત છે, તેથી દરેક વ્યક્તિએ આ રસી લેવી જોઇએ તેવો અનુરોધ કર્યો હતો. પાટણ જિલ્લાના 5400 જેટલા પ્રાથમિક શિક્ષકોને આગામી બે-ત્રણ દિવસમાં રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે.