અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતિએ 11મી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા વાવનું નિર્માણ કર્યું હતું. સરસ્વતી નદીમાં આવેલ પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી. 20મી સદીમાં આ વાવને મૂળ સ્વરુપમાં લાવવા પુરાતત્વ વિભાગ દ્રારા ઉત્ખનનની કામગીરી શરૂ કરતા ઘણાં વર્ષો બાદ આ વાવ તેનાં મૂળ સ્વરુપમાં આવી હતી.
શિલ્પકળાના બેનમુન સ્થાપત્ય સમી રાણકી વાવને વિશ્વ ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે, ત્યારે તેના ગૌરવગાન માટે આગામી તા.16 અને 17 ડીસેમ્બરે રાણકી વાવ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. પાટણ ખાતે કનસડા દરવાજા નજીક શેઠ એમ.એન.હાઈસ્કુલ ખાતે યોજાનારા બે દિવસીય મહોત્સવમાં સુપ્રસિદ્ધ કલાકારો ઉપસ્થિત રહેશે. વિશ્વપ્રસિદ્ધ વર્લ્ડ હેરીટેજ રાણકી વાવની મહિમા ઉજાગર કરવા રાણીની વાવ ઉત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. આગામી 16 ડીસેમ્બરના રોજ પાટણ ખાતે રાણીની વાવ નજીક શેઠ એમ.એન.હાઈસ્કુલ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં મહોત્સવનો ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવશે.