ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવા પાટણના ધારાસભ્યએ ઊર્જા પ્રધાનને લખ્યો પત્ર પાટણ : સહિત ગુજરાતના ખેડૂતોને દિવસ દરમિયાન ખેતીકામ માટે વીજ પુરવઠો મળી રહે તે માટે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના ઉર્જા પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે રાજ્યના ઉર્જા પ્રધાન કનુ દેસાઈને પત્ર લખી જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં કિસાન સર્વોદય યોજના અંતર્ગત સૌપ્રથમ પાટણ જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં પાટણ તાલુકા અને જિલ્લાના ખેડૂતોને દિવસ દરમિયાન ખેતીકામ માટે વીજળી મળતી નથી.
વીજળી આપવાનો સમય : વધુમાં જણાવ્યું હતું કે, ખેતીવાડી ફીડરોમાં રાત્રે વીજળી આપવામાં આવે છે. પાટણ તાલુકામાં ખેતીવાડી ફીડરોમાં પાવર આપવા માટે P11, P12, P13 અને P14 એમ અલગ અલગ ચાર ગ્રુપ પાડવામાં આવેલા છે. જેમાં રાત્રે 12 કલાકથી સવારના 8 કલાક દરમિયાન થ્રી ફેઝ વીજળી આપવામાં આવે છે. જ્યારે P12 ગ્રુપમાં ખેડુતોને રાત્રે 10 કલાકથી સવારના 4 કલાક સુધી વીજળી આપવામાં આવે છે.
આ પણ વાંચો :નવસારીમાં સાત જિલ્લાના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન પ્રદર્શન, વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ આકર્ષક
હાર્ડ થીજવતી ઠંડીમાં ખેડૂતો :રાત્રી દરમિયાન ખેડૂતોને ખેતીકામ માટે થ્રી ફેઝ વીજળી આપવામાં આવે છે. જેના કારણે હાલમાં શિયાળાની કડકડતી હાર્ડ થીજવતી ઠંડીમાં ખેડૂતોને ભારે હાલાકીયો વેઠવી પડે છે. ખાસ કરીને વિધવા મહિલાઓ કે જે ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેવી મહિલાઓ રાત્રે ખેતરમાં જઈ શકતી નથી. જેથી તેઓના ખેતી પાકને પણ મોટું નુકસાન થાય છે.
આ પણ વાંચો :Cabinet Meet on Joshimath: 6 મહિના સુધી વીજળી-પાણી માફ, પ્રધાન આપશે એક મહિનાનું વેતન
અલગ અલગ ગ્રુપોનો થ્રી ફેઝ પાવર : તો બીજી તરફ રાત્રી દરમિયાન ઝેરી જનાવરોનો ભય પણ ખેડૂતોને સતાવે છે. માટે વડાપ્રધાને જે કિસાન સર્વોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસ દરમિયાન થ્રી ફેઝ વીજળી આપવાની જાહેરાત કરી હતી. તે પ્રમાણે પાટણ જિલ્લા સહિત ગુજરાતના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવામાં આવે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે રીતે અલગ અલગ ગ્રુપોનો થ્રી ફેઝ પાવર આપવાનો સમય દર અઠવાડિયે બદલાય છે. તેવી જ રીતે જે તે ગ્રુપના ખેતીવાડી ફીડરોના ગ્રુપમાં પણ દર ત્રણ મહિને ફેરફાર કરી ખેડૂતોને દિવસે જ વીજળી આપવામાં આવે.