- પાટણમાં બગવાડા દરવાજા પાસે પોલીસે માસ્ક ડ્રાઈવ યોજી
- માસ્ક ડ્રાઈવ સમયે તાલુકા પંચાયત પ્રમુખનું વિજય સરઘસ નીકળ્યું
- વિજય સરઘસમાં લોકો માસ્ક વગર દેખાયા
- પોલીસે વિજય સરઘસમાં સામેલ લોકો સામે કોઈ કાર્યવાહી ન કરી
પાટણઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેથી સરકારની ચિંતામાં વધારો થયો છે, ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણને વધતો અટકાવવા પોલીસ તંત્ર સજાગ બની માસ્ક ન પહેરનારાઓ પાસેથી દંડ વસૂલવાની કામગીરી શરૂ કરી છે.
રોડ શોમાં માસ્ક વગર અનેક લોકો જોવા મળ્યા
પોલીસ દ્વારા ગુરુવારે બપોરે શહેરના બગવાડા દરવાજા ખાતે માસ્ક ડ્રાઈવ યોજવામાં આવી હતી અને માસ્ક ન પહેરનારા વાહનચાલકો અને રાહદારીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પોલીસની આ ડ્રાઈવ દરમિયાન ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં માસ્ક વગર અનેક લોકો જોવા મળ્યા હતા. પોલીસની હાજરી હોવા છતાં પણ માસ્ક વગર રોડ શોમાં જોડાયેલા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમજ બી ડિવિઝન પીઆઈ રોડ શોને આગળ વધારવા હાકલ કરતા વીડિયોમાં જોવા મળ્યા હતા.