ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ચીજ-વસ્તુઓની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી - પાટણ કોરોના

પાટણ શહેર સહિત જિલ્લામાં મંગળવારથી એક સપ્તાહના સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉનની વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે સોમવાર સવારથી જ જિલ્લા મથક પાટણની બજારોમાં આવશ્યક ચીજ-વસ્તુઓની ખરીદી કરવા કીડિયારું ઊભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઠેર-ઠેર ટ્રાફિક જામના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોના નાથવાની સુફિયાણી સલાહ આપનારા વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ ક્યાંય દેખાયા ન હતા. જેને પગલે બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તથા કોરોના ગાઈડ લાઇનના ધજાગરા ઉડયા હતા તો ઠેર-ઠેર ટ્રાફિક જામ થતા નગરજનો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા.

કોરોનાકાળ વચ્ચે બજારોમાં જોવા મળી ભીડ
કોરોનાકાળ વચ્ચે બજારોમાં જોવા મળી ભીડ

By

Published : Apr 19, 2021, 3:58 PM IST

  • લોકડાઉન પૂર્વે આવશ્યક વસ્તુઓની ખરીદી માટે માનવ મહેરામણ ઉમટ્યું
  • કોરોનાકાળ વચ્ચે બજારોમાં જોવા મળી ભીડ
  • એક કિલોમીટર સુધી વાહનોની લાગી લાઈનો

પાટણ: શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ ઘાતક બની આગળ વધી રહ્યો છે અને છેલ્લા એક પખવાડિયાથી સરેરાશ 100થી વધુ કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા છે. જેને પગલે વહિવટી તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોનાની આ ચેઈન તોડવા માટે પ્રયત્નશીલ બની વિવિધ વેપારી મંડળો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં મંગળવારે 20 એપ્રિલથી 26 એપ્રિલ સુધી એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. જેને પગલે સોમવારે પાટણ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ખાનગી વાહનો સાથે આવશ્યક ચીજ-વસ્તુઓની ખરીદી કરવા પાટણ શહેરમાં ઉમટી પડતાં કીડિયારૂં ઉભરાયું હોય તેવા દ્રશ્યો ઠેર-ઠેર જોવા મળ્યા હતા.

કોરોનાકાળ વચ્ચે બજારોમાં જોવા મળી ભીડ

આ પણ વાંચો:જામનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનમાં ત્રણ દિવસ તમામ કારખાનાઓ બંધ

શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

આડેધડ વાહનોનો પાર્કિંગ કરવામાં આવતા શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક અવરોધાયો હતો અને ટ્રાફિક જામના વરવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જેને કારણે સામાન્ય શહેરીજનો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. આ ખરીદી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ સરકારની ગાઇડ લાઇનના નીતિનિયમો નેવે મૂકાયા હતા અને કરિયાણા સહિત આવશ્યક ચીજ-વસ્તુઓની દુકાનો પર ટોળા એકત્ર થઈ જતા અરાજકતા ભર્યા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

લોકડાઉન પૂર્વે આવશ્યક વસ્તુઓની ખરીદી માટે માનવ મહેરામણ ઉમટ્યું

આ પણ વાંચો:હવે તો સુધરોઃ અમદાવાદમાં સ્વૈચ્છિક લોકડાઉનની દેખાઇ પાંખી અસર

વહીવટી તંત્રના કર્મચારીઓ નિયમનું પાલન કરાવવા ક્યાંય જોવા ન મળ્યા

પાટણ શહેરમાં લોકડાઉન પૂર્વે બજારોમાં એકી સાથે મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડેલા લોકોએ કોરોનાના ભય વગર દુકાનો ઉપર ભારે ભીડ કરી હતી છતાં પણ વહીવટી તંત્રના કર્મચારીઓ નિયમનું પાલન કરાવવા ક્યાંય જોવા મળ્યા ન હતા.

ABOUT THE AUTHOR

...view details