- દિવાળીની અનેકાનેક પરંપરાઓ જાણો
- પાટણના દિવાળી માર્કેટમાં તૈયાર મેર મેરૈયાનું આકર્ષણ
- 30 રૂપિયાના ભાવે તૈયાર મેર મેરૈયાઓ વેચાયા
પાટણઃ પ્રકાશના પર્વ દિવાળીની અનેક માન્યતાઓ ( Diwali traditions ) સાથે ઉજવણી કરવામાં આવે છે. ઘરમાંથી અનિષ્ટ તત્વો અને અંધારું દૂર થાય તે માટે દિવાળીના દિવસે વરખડીના વૃક્ષની ત્રણ પાંખીયાવાળી ડાળીઓ લાવી મહિલાઓ તેની ઉપર કપડાંની કે રૂની દિવેટ બનાવી માટીનો લેપ કરી મેર મેરૈયો બનાવે છે. મેર મેરૌયો તૈયાર કરી દિવાળીની રાત્રે પ્રજ્વલિત કરી ઘરમાં ફેરવીને મહોલ્લાની બહાર મૂકવામાં આવે છે.
સમયના અભાવે રેડીમેડ મેર મેરૈયો ડિમાન્ડમાં
બદલાતા યુગની સાથે ચાલુ વર્ષે પાટણની બજારમાં રંગરોગાન કરેલા તૈયાર મેર મેરૈયાએ આકર્ષણ જમાવ્યું હતું. શહેરની બજારોમાં ઠેર ઠેર આવા તૈયાર મેર મેરૈયાઓ ખરીદવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. 30 રૂપિયાના ભાવે તૈયાર મેર મેરૈયાઓ વેચાયા હતાં. પાટણની બજારમાં તૈયાર મેર મેરૈયા ખરીદનાર એક મહિલાએ જણાવ્યું હતું કે પહેલાં લોકો ઘરે મેરૈયા બનાવતા હતાં પરંતુ વર્તમાન યુગમાં સમયના અભાવે લોકો ઘરે બનાવી શકતા નથી. જેથી લોકો તૈયાર મેર મેરૈયાની ખરીદી કરે છે.