●પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં મચ્યો હોબાળો
●હાઇવે પરની શિવકૃપા સોસાયટીના રહીશે હોદ્દેદારોના ટેબલ પર માથા પટક્યાં
● ભૂગર્ભ ગટરના પ્રશ્નનું 8 મહિનાથી નિરાકરણ ન આવતા રહીશ લાલઘૂમ
● સભામાં પેટ્રોલ મંગાવી આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસે અટકાયત કરી
પાટણઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ વિસ્તારો અને હાઈવે માર્ગો ઉપર ભૂગર્ભ ગટરો ઊભરાવવાની સમસ્યાઓ વકરી છે. જેને લઇને અનેકવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી. આને કારણે આ વિસ્તારના રહીશોને અનેક બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રહીશને પોલીસને હવાલે કરાયો
શિવકૃપા સોસાયટીમાં છેલ્લા આઠ મહિનાથી ભૂગર્ભ ગટરો ઊભરાવવાની સમસ્યાઓને લઈને વિસ્તારના રહીશો દ્વારા અનેકવાર લેખિતમાં તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી ગટર ઊભરાવવાની સમસ્યાનું કોઇ નિરાકરણ કરવામાં આવતું નથી. આજે શુક્રવારે સોસાયટીના રહીશો નગરપાલિકાની સામાન્ય સભામાં રજૂઆત માટે દોડી આવ્યા હતાં. જેમાંથી એક અરજદારે ચાલુ સામાન્ય સભામાં ટેબલ ઉપર માથું પછાડી પેટ્રોલ લઈ આવી આત્મવિલોપનનો(Suicide) પ્રયાસ કર્યો હતો. જેને લઇને સભામાં દોડધામ મચી ગઈ હતી. જોકે રહીશના હાથમાંથી નગરસેવકોએ પેટ્રોલની બોટલ છીનવી લીધી હતી અને સોસાયટીના રહીશને પોલીસને હવાલે કર્યો હતો.