સમીના ડોકટર પિતા-પુત્રએ ક્લિનિકમાં મહિલા દર્દી સાથે આચર્યુ દુષ્કર્મ, નોંધાઇ પોલીસ ફરિયાદ - Crime
પાટણ: જિલ્લાના સમીમાં એક ડોકટર પિતા-પુત્રની કામલીલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો લોકોના ધ્યાને આવતા જ લોકોએ પિતા-પુત્રને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યા હતા. લોકોએ બન્નેને સખત સજા થાય તે માટેની માંગ કરી છે. સમી પોલીસે પિતા-પુત્રની બે મહિલાઓની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમીના મુખ્ય બજારમાં છેલ્લા 40 વર્ષથી ખાનગી દવાખાનું ચલાવતા મહેન્દ્ર મોદી અને તેનો પુત્ર કિશન મોદી મહિલા દર્દીઓને પોતાની હવસનો શિકાર બનાવતા હતા. ડોકટરનો પુત્ર પોતે જ તેનો વીડિયો બનાવતો અને ત્યાર બાદ તેઓ મહિલાઓને બ્લેકમેલ કરતા હતા. મહેન્દ્ર મોદી આયુર્વેદિક ડોકટર છે અને તે એલોપેથીકની પ્રેક્ટિસ કરતો હતો. જ્યારે તેનો પુત્ર ITI પાસ છે અને તે પણ શનિવાર અને રવિવારના રોજ તબીબની પ્રેક્ટિસ કરતો હતો. પિતા પુત્રએ મહેસાણામાં પણ એક ખાનગી દવાખાનું ખોલ્યું છે. દવાખાનામાં સારવાર માટે આવતી મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવી તેનો વીડિયો ઉતારી વાઇરલ કરવાની ધમકીઓ આપી દુષ્કૃત્ય આચરતા હતા. પિતા પુત્રનો આ વીડિયો વાઇરલ થતા જ ગામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગામલોકોએ બંનેને માર મારી પોલીસને હવાલે કર્યા હતા. સાથે જ ગામ લોકોએ બજાર બંધ રાખી આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી છે.