- 14/1/1985માં એક શિક્ષકે આ અન્નક્ષેત્રની કરી શરૂઆત
- શિક્ષક અને વિધાર્થીઓ લારી લઈ ગલીએ ગલીએ જરૂરિયાત મંદોને પહોંચાડતા હતા ભોજન
- હાલમાં ઇ રીક્ષાના માધ્યમથી 500 જેટલા જરૂરિયાત મંદોને પહોંચાડવામાં આવી રહ્યું છે ભોજન
પાટણઃ રેલવેના છેલ્લા સ્ટેશન તરીકે જાણીતા બનેલા પાટણમાં ગાંડા, ઘેલા, દરીદ્ર નારાયણો આ છેલ્લા સ્ટેશને ઊતરી જતા હતા અને પાટણમાં જ્યા ત્યા ફરી પોતાની ભૂખ સંતોષવા માટે ફરતા હતા. આ જોઈ પાટણના શિક્ષક ઉમેદભાઈ આચાર્યએ તેમના પાંચ શિક્ષક મિત્રો અને નૂતન વિનય મંદિરના કેટલાક નવયુવાનોએ તારીખ 14/1/1985ના રોજ ઉત્તરાયણના પવિત્ર દિવસે હરતું-ફરતું રામ રહીમ અન્નક્ષેત્રનો પ્રારંભ કર્યો હતો.
શિક્ષક અને વિદ્યાર્થીઓ ચાર પૈડાની લારી લઈ શહેરની ગલીએ ગલીએ ફરી અંધ, અપંગ, ગાંડાઘેલા અને નિરાધારોને એક ટાઈમનું ભોજન પૂરું પાડવાની શરૂઆત કરી હતી. જેને આગળ જતા શહેરના કેટલાય સખી દાતાઓનો સાથ સહકાર અને આર્થિક સહયોગ મળતા હાલમાં આ અન્નક્ષેત્ર એક વટવૃક્ષ બન્યુ છે. હાલમાં આ અન્નક્ષેત્રના કાર્યકરો ઈ-રીક્ષા મારફતે શહેરના પછાત તથા ગરીબ વિસ્તારો તેમજ ફૂટપાથ પર આશરો લેનારા ભિક્ષુકોને દરરોજ સાંજે ભોજન પૂરું પાડી એક ઉમદા સેવા કાર્ય કરી રહ્યા છે. હાલમાં આ સંસ્થા દ્વારા 500થી વધુ જરૂરીયાત મંદોને નિયમિત રીતે ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
- કુદરતી આપત્તિ સમયે પણ ભોજન ઉપરાંત અન્ય સહાય પુરી પાડી લોકોનો સહારો બને છે
- લોકડાઉનમાં હોસ્પિટલોમાં દર્દીઓ અને તેમના પરિવારોને બે ટાઈમ ભોજન સેવા પૂરી પાડી
- ગરીબ વિદ્યાર્થીઓ માટે પૂરક શિક્ષણ વર્ગો ચલાવવામાં આવે છે
- શિયાળામાં ગરમ ધાબડા અને સ્વેટર અને ચોમાસામાં છત્રી જરૂરીયાત મંદોને આપવામાં આવે છે
ભૂખ્યા લોકોને ભોજન પૂરું પાડતી પાટણની શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત રામ રહીમ અન્નક્ષેત્ર છેલ્લા 35 વર્ષથી ગરીબ અને જરૂરીયાત મંદોને ભોજન પૂરું પાડે છે. આ સંસ્થા કુદરતી આપત્તિ સમયે પણ ભોજન ઉપરાંત અન્ય સહાય પૂરી પાડીને લોકોનો સહારો બને છે. દિવાળી જેવા સમયે જે પરિવારો મીઠાઈ ખરીદી શકતા નથી, તેવા પરિવારોને આ સંસ્થા મીઠાઈ સહિતની સેવા પૂરી પાડે છે. લોકડાઉનના કપરા સમયમાં આ સંસ્થા દ્વારા શહેરની તમામ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને સવાર સાંજનું ભોજન પૂરું પાડી માનવતાની એક મિસાલ કાયમ કરી છે.