પાટણ: શહેર સહિત જિલ્લાના સિદ્ધપુર અને રાધનપુર પોલીસ મથકમાં છેલ્લા બે મહિનામાં નોંધાયેલ મોબાઇલ ચોરીના ભેદ ઉકેલવામાં પાટણ એલ.સી.બી. પોલીસ અને સાયબર ક્રાઈમ સેલ પાટણ સફળતા મેળવી છે. રૂપિયા 6,10,000ની કિંમતના 33 નંગ મોબાઇલ ફોન સાથે આ મોબાઇલ ચોરી માં સંડોવાયેલ પાંચ અલગ અલગ આરોપીઓને ઝડપી લઇ તેમની પાસેથી મોબાઈલ ફોન હસ્તગત કર્યા હતા. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલની અધ્યક્ષતામાં આ મોબાઇલ ફોન જે તે મૂળ માલિકને પરત કરવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Patan news: રખડતા ઢોરની દેખરેખ મામલે પાટણ નગરપાલિકા પર વિપક્ષ નેતાનો ગંભીર આરોપ
મોબાઈલ શોધી કાઢ્યા:પાટણ જિલ્લામાં મોબાઇલ ચોરી અને ગુમ થવાના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થતાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ મોબાઈલ ચોરને ઝડપી પાડવા પાટણ એલસીબી અને સાયબર ક્રાઈમ સેલ પાટણની પોલીસ ટીમને કામે લગાડી હતી. મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુનાના ભેદ ઉકેલવા તાકીદ કરી હતી. જેને પગલે એલ.સી.બી. પી.આઇ. આર.કે. અમીનના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ સેલ ની ટીમ અને એલ.સી.બી. પોલીસની ટીમે ખાસ પ્રકારની કામગીરી કરી હતી. પાટણ, રાધનપુર અને સિદ્ધપુર પોલીસ મથકે છેલ્લા બે મહિનામાં નોંધાયેલ મોબાઇલ ચોરીના ગુના અને તેમાં સંડોવાયેલ સામે તપાસ કરાઈ હતી.