પાટણ : પાટણ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ઠેર ઠેર ભૂગર્ભ ગટરો ઉભરાવવાની સમસ્યાઓથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અનેક રજૂઆતો છતાં નગરપાલિકા અને જીયુડીસીના અધિકારીઓ એકબીજા પર દોષારોપણ કરી શહેરીજનોને ખો આપી રહ્યા છે. ત્યારે આજે શહેરના અંબાજીનગર વિસ્તારની સાત જેટલી સોસાયટીઓના સ્થાનીક રહીશોએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો. વિફરેલી મહિલાઓએ નગરપાલિકાના છાજિયા લઇ વેરાશાખામાં તોસ્ફોડ કરી હતી. સમસ્યાને લઇ ધારાસભ્ય કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી છે કે સોમવાર સુધીમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ગટરના દૂષિત પાણીથી ગાંધીનગર સ્થિત જીયુડીસી અને અર્બન ડેવલોપમેન્ટના અધિકારીઓની ચેમ્બરમાં અભિષેક કરવામાં આવશે.
મહિલાઓનો હંગામો : પાટણના અંબાજી નેળીયા વિસ્તારમાં આવેલી સોપાન હોમ્સ , માહી રેસીડેન્સી , દીયાના પ્રાઇમ સોસાયટી , એપોલોનગર સહિતની સાત જેટલી સોસાયટીઓમાં 500થી વધુ રહીશો ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાને લઇને આજે પાટણ નગરપાલિકા કચેરી ખાતે આવ્યા હતાં પરંતુ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ હાજર નહી મળતા રોષ ભભૂકી ઉઠ્યો હતો અને મહિલાઓએ ભારે હંગામો મચાવી સત્તાધીશો તેમજ અધિકારીઓ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતાંં.
વેરાશાખામાં તોડ ફોડ : પાટણ નગરપાલિકા દ્વારા નિયમિત રીતે વેરો વસૂલવામાં આવતો હોવા છતાં પૂરતી સુવિધાઓ નહી મળતા વેરાશાખા બંધ કરોના સૂત્રોચ્ચારો કરી મહિલાઓએ વેરા શાખામાં તોડફોડ કરી હતી. તો કેટલીક વીફરેલી મહિલાઓએ ચીફ ઓફીસરની ઓફિસની બહાર બંગડીઓ લગાવી વિરોધ કર્યો હતો.
અંબાજી નેળીયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાય છે જેના દૂષિત પાણી જાહેર માર્ગ અને સોસાયટીમાં રેલાય છે . આ ગંદા પાણીમાં થઇ અવરજવર કરવાની ફરજ પડે છે . નાના બાળકો અને વૃધ્ધોની હાલત કફોડી બને છે . અભ્યાસ અર્થે જતા બાળકોને પણ આ દૂષિત પાણીમાં થઇ પસાર થવું પડે છે . આ સમસ્યા ઉકેલવા માટે રહીશો દ્વારા નગરપાલિકા અને કલેક્ટર કચેરીમાં અનેકવાર રજૂઆતો કરી આવેદનપત્ર આપ્યા છે છતાં ભાગબટાઇ અને ભ્રષ્ટાચારને કારણે આ પ્રશ્ન ઉકેલવા માટે કોઇ પગલા ભરતા નથી . અધિકારીઓ દ્વારા માત્રને માત્ર રહીશોને ખોટા આશ્વાસનો આપવામાં આવ્યા છે . માટે આજે સામૂહિક રીતે અમો રજુઆત માટે આવ્યા છીએ પણ કોઇ જવાબદાર અધિકારી કે ચૂંટાયેલા પદાધિકારીઓ હાજર મળ્યા નથી...દીપક દરજી(રહીશ)