પાટણ : પાટણ જિલ્લાનું શંખેશ્વર ધામ જૈન સમાજનું તીર્થ ધામ છૅ અને આસ્થાનું કેન્દ્ર છે. આ સ્થાનકે વર્ષ દરમ્યાન મોટી સંખ્યામાં જૈન સમાજ સહિત અન્ય લોકો પણ દર્શનાર્થે આવતા જતા હોય છે. ત્યારે હારીજથી મુજપુર -રૂની થઇ શંખેશ્વર જતો માર્ગ વાહનચાલકો મોટા ભાગે પસંદ કરે છે. જેને લઇ આ માર્ગ પર વાહનોની ખૂબ જ અવરજવર રહે છે. પણ આ સિંગલ પટ્ટી રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. માર્ગ પર ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે જેને લઇ આ માર્ગ પરથી નાના વાહનોથી લઇ મોટા વાહનો પર સવાર થઇ જવું પણ હવે જોખમી બનવા પામ્યું છે.
માર્ગ બન્યો મગરની પીઠ :મુજપુરથી રૂની તરફનો 10 કિલો મીટરનો રસ્તો બિલકુલ બિસ્માર અને ખખડધજ હાલતમાં છે. જે માર્ગ પરથી લોકો જીવના જોખમે પસાર થઇ શંખેશ્વર ધામ ખાતે પહોંચે છે.
નવીન રોડ બનાવવા માંગ ઉઠી :હારીજથી શંખેશ્વર જવા માટે આ સિંગલ પટ્ટી રોડ જે મુખ્ય માર્ગ કરતા કિલોમીટર ઓછા કાપી શંખેશ્વર પહોંચી શકાય તેમ હોઈ આ રસ્તાનો ઉપયોગ લોકો વધુ કરી રહ્યા છે. પણ હાલ આ રોડ બિસ્માર હાલત બની જતા વાહનચાલકો જીવના જોખમે પણ આ રોડ પરથી પસાર થવા મજબૂર બનવા પામ્યા છે. આ માર્ગ પર આવતા ગામોના લોકોને તો રોજે રોજ આ જ માર્ગનો ઉપયોગ કરવાનો હોઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ બિસ્માર માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.