રામ નામ જપ લેખનમાં લોકોનો ભારે ઉત્સાહ પાટણ : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સરસ્વતી નદીના કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે પોણા બે માસમાં શ્રદ્ધાળુ ભક્તોએ 51 લાખ રામ નામ લેખનનો સંકલ્પ પૂર્ણ કર્યો છે. રામ નામ જપ લેખનમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આગામી સમયમાં રામ નામ શબ્દ લખેલી જાપ પોથીઓ અયોધ્યા ખાતે મોકલવાનું પણ આયોજન આનંદેશ્વર મંદિર સમિતિ દ્વારા કરાયું છે.
રામ નામ લખવામાં ભક્તો મગ્ન :અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પાટણ સરસ્વતી નદીના કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા 20 નવેમ્બરના રોજ 51 લાખ રામ નામ જપ લેખનનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જે સમય મર્યાદા પહેલા પૂર્ણ થયો છે. આ સંકલ્પ શરૂ કરતાની સાથે જ મંદિર પરિસર ખાતે દર્શન માટે આવતા શ્રદ્ધાળુ ભક્તો ભગવાન રામનું નામ જાપ પોથીમાં લખવા જોતરાઈ જતા હતા. અહીં આવતા દરેક શ્રદ્ધાળુ ભાઈ-બહેનો,બાળકો,સામાજિક અને સેવાકીય સંસ્થાઓ, જાણીતા કલાકારો, સંતો મહંતો ની સાથે વૃદ્ધો તેમજ નાના બાળકોને યુવાનો પણ જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક જાપપોથીમાં રામ નામના ઉચ્ચાર સાથે લેખન કરી 51 લાખ જપ લેખન નો સંકલ્પ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પૂર્ણ થયો છે.
જાપ લખેલી બુકો અયોધ્યા મોકલાશે :હાલમાં વહેલી સવારથી મોડી રાત સુધી રામ નામ લેખનનો પ્રવાહ અવિરત ચાલી રહ્યો છે. શ્રદ્ધાળુઓને જ્યારે પણ મન થાય ત્યારે ભગવાન રામના નામ લેખનમાં જોડાય છે અને આ ભગીરથ કાર્યમાં પોતાનો સહયોગ આપી રહ્યા છે. રામ નામ શબ્દ લખેલી જાપ પોથીઓ આગામી સમયમાં અયોધ્યા ખાતે મોકલવાની વ્યવસ્થા પણ આનંદેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા કરાઈ છે.
બાળકો યુવાનો પણ જોડાયા : ભગવાન શિવના આરાધ્યા દેવ શ્રીરામ છે જ્યારે રામના આરાધ્યદેવ ભગવાન શિવ છે. ત્યારે હાલમાં અયોધ્યા ખાતે ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પાટણમાં ભગવાન શિવના સાનિધ્યમાં રામ નામ લેખનના સંકલ્પમાં શ્રદ્ધાળુ ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. 51 લાખ રામ નામ લેખન સંકલ્પમાં શ્રદ્ધાળુ ભક્તોએ રામ નામ લખીને સંકલ્પ પૂર્ણ કર્યો છે. કોઈ ભક્તે 1 લાખ તો કોઈ ભકતે સવા લાખ રામ નામ શબ્દ લખ્યા છે અને સંકલ્પ પૂર્ણ કરી જાણે રામરાજના સાક્ષી બન્યા હોય તેવો આનંદ માણી રહ્યા છે.
- Rammandiram : સંસ્કૃત ભારતી દ્વારા ભગવાન રામનું સંસ્કૃતમાં ભજન, કચ્છના નંદલાલ છાંગાએ આપ્યાં સૂર
- Ram Mandir: જલારામ ધામ વીરપુરના 50 સ્વયં સેવકો અયોધ્યામાં રોજના 10થી 15 હજાર પ્રસાદ બોક્સ બનાવી રહ્યા છે